Abtak Media Google News

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સ્થિર: ઈસ્ટ-વેસ્ટમાં ૨૧ ડિગ્રી પર સિઅર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈ કેરેલા સુધી મોનસુન ટ્રફ: રવિ અને સોમવારે સૌરાષ્ટ્રમાં એકાદ-બે સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે: વંથલીમાં ૩ ઈંચ, માણાવદરમાં અઢી ઈંચ,કોટડાસાંગાણીમાં ૨ ઈંચ વરસાદ

ત્રણ-ત્રણ સિસ્ટમો હાલ સક્રિય હોવાનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સોમવાર સુધી મેઘમહેર ચાલુ રહે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રનાં ૯ જિલ્લાઓમાં મધ્યમથી લઈ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઈકાલે વંથલીમાં ૩ ઈંચ, માણાવદરમાં અઢી ઈંચ અને કોટડાસાંગાણીમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. રાજયમાં આજ સુધીમાં કુલ ૧૦૬.૧૫ ટકા જેટલો વરસાદ પડયો છે.

હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સ્થિત છે. ઈસ્ટ-વેસ્ટમાં ૨૧ ડિગ્રી પર સીયર ઝોન છે અને દક્ષિણ ગુજરાતથી લઈ ઉતર કેરાલા સુધી મોનસુન ટ્રફ સક્રિય છે જેની અસરતળે રાજયભરમાં આગામી ૩ દિવસ સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેશે. આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં જામનગર, પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરમાં જયારે આવતીકાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રવિવારે અને સોમવારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સાર્વત્રિક વરસાદ પડશે જેમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે ત્યારબાદ ઉતરનાં રાજયોમાં સિસ્ટમ ફંટાશે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૦ જિલ્લાનાં ૧૦૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે મેઘાએ મહેર ઉતારી હતી. કચ્છનાં અબડાસામાં ૩૯ મીમી, માંડવીમાં ૧૦ મીમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરનાં મુડીમાં ૨૫ મીમી, લીંબડીમાં ૯ મીમી, થાનગઢમાં ૮ મીમી, રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં ૩૦ મીમી, જસદણમાં ૨૪ મીમી, જેતપુરમાં ૨૦ મીમી, કોટડાસાંગાણીમાં ૪૮ મીમી, લોધીકામાં ૨૧ મીમી, ઉપલેટામાં ૨૩ મીમી વરસાદ પડયો હતો. મોરબી જિલ્લાનાં વાંકાનેરમાં ૧૦ મીમી, જામનગર જિલ્લાનાં જામજોધપુરમાં ૧૦ મીમી, કાલાવડમાં ૧૨ મીમી, જામજોધપુરમાં ૨૪ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુરમાં ૩૭ મીમી, ખંભાળીયામાં ૨૦ મીમી, દ્વારકામાં ૩૪ મીમી વરસાદ પડયો હતો. જયારે જુનાગઢનાં ભેંસાણમાં ૪૧ મીમી, જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૧૦ મીમી, માણાવદરમાં ૬૩ મીમી, મેંદરડામાં ૧૩ મીમી, વંથલીમાં ૭૬ મીમી, અમરેલીનાં સાવરકુંડલામાં ૩૮ મીમી, ધારીમાં ૧૩ મીમી અને રાજુલામાં ૧૧ મીમી વરસાદ પડયો છે. આજસુધીમાં સૌરાષ્ટ્રમાં સીઝનનો કુલ ૧૦૧.૧૬ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. સવારથી રાજયનાં ૨૨ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે જેમાં હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ પડી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.