Abtak Media Google News

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સરકાર દ્વારા એનડીઆરએફની ૨૦ ટીમોને રાહત-બચાવમાં કામે લગાવી છે અને વધુ ૫ ટીમોને રાહત બચાવ માટે બોલાવી છે ત્યારે મેઘકહેરને કારણે સમગ્ર રાજયમાં કુલ ૩૦ લોકોના મોત નિપજયા છે. જેમાં ૧૦ લોકોને વિજળી ભરખી ગઈ છે તો ૧૧ લોકો પુરના પ્રવાહમાં ડુબી જતા મોત નિપજયા હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે.

છેલ્લા ૩ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે ગીર-ગઢડા, દેવભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે તબાહી મચી છે. આભ ફાટવા જેવી સ્થિતિમાં રાજયના બે નેશનલ હાઈવે, ૧૨ સ્ટેટ હાઈવે અને કુલ મળી ૨૩૯ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. એજ રીતે રેલવેને પણ ભારે નુકસાની પહોંચતા ભાવનગર-અમરેલી-વેરાવળ વચ્ચેનો મીટરગેજ ટ્રેન વ્યવહાર બંધ થયો છે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે કાનાલુસ રેલવે સ્ટેશને રેલવે ટ્રેકને નુકસાન થતા જામનગર, દ્વારકા અને પોરબંદરને જોડતો રેલવે વ્યહાર બંધ થવા પામ્યો છે.

વધુમાં મેઘતાંડવને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કુલ મળી ૩૫૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ધસમસતા પુરના પ્રવાહમાં ડુબી જતા ૧૧ લોકોના મોત નિપજયા છે. આ ઉપરાંત વિજળી પડવાના કારણે ૧૦ લોકો તેમજ અન્ય કારણોસર ૯ મળી કુલ મૃત્યુ આંક ૩૦ થયો છે.

ભારે વરસાદના કારણે રાજયના અનેકના ૭ જિલ્લામાં વરસાદી પાણીને કારણે અનેક વિસ્તારોમાં પાણીમાં ગરક થતા ૧૨૫ પશુઓના મોત નિપજયા હોવાનું પણ જુદા-જુદા અહેવાલોમાં સતાવાર સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ ભારે વરસાદની આગાહી હોય રાજય સરકાર દ્વારા હાલ પુરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફની ૨૦ ટીમોની મદદથી પુર રાહત બચાવની કામગીરી ચાલી રહી છે અને હજુ પણ રાહત બચાવ માટે એનડીઆરએફની ૫ ટીમોને બોલાવી પડી છે.

મેઘતાંડવે રેલવે ટ્રેક ધોઈ નાંખ્યા

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જામનગર, દેવભુમિ દ્વારકા, ભાવનગર, અમરેલી અને ગીર વિસ્તારને જોડતા રેલવે માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેને પગલે ભાવનગર રેલવે ડિવીઝન દ્વારા આગામી ૭ દિવસ માટે ૪ ટ્રેનો બંધ કરવામાં આવી છે. જેમાં અમરેલી-વેરાવળ, વેરાવળ-જુનાગઢ અને દેલવાડા-વેરાવળ ‚ટનો સમાવેશ કર્યો છે. રેલવેના ભાવનગર ડિવીઝન દ્વારા ઉપરોકત તમામ ટ્રેનોને ૭ દિવસ માટે બંધ કરવામાં આવી છે. એજ રીતે જામનગર જિલ્લામાં કાનાલુસ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેકને નુકસાન પહોંચતા જામનગરથી દ્વારકા અને જામનગરથી પોરબંદર વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું છે.

રાજયના ૨૩૯ માર્ગો બંધ

ભારે વરસાદના કારણે રાજયના કુલ મળી ૨૩૯ માર્ગોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જેમાં ૨ નેશનલ હાઈવે, ૧૨ સ્ટેટ હાઈવે અને ૨૧૫ પંચાયતી માર્ગોનું ધોવાણ થઈ જતા હાલ ઉપરોકત તમામ માર્ગો પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો છે.

ભારે વરસાદના કારણે ૩૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘપ્રલયના કારણે ૭ જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એનડીઆરએફની ટીમ દ્વારા ૩ દિવસ દરમિયાન કુલ મળી ૩૫૦૦ લોકોને સલામત સ્થળે ખસેડી સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.