ગીર સોમનાથ જિલ્લામાં  2021માં  વેંચાયા 308 ઈ-વ્હીલ

કેન્દ્ર અને રાજય સરકારની યોજના હેઠળ 121  ખરીદદારોને  સબસીડી  ચૂકવાઈ: બાકીના લાભાર્થીઓને  ટૂંકમાં  સબસિડી  ચૂકવાશે

 

અબતક,અતુલ કોટેચા, વેરાવળ

ગીર સોમનાથ જિલ્લામાં પણ વર્ષ-2021માં 308 જેટલા ઈ-વિહિકલ લોકોએ ખરીદ્યા છે. જેમાંથી 121 જેટલા ઈલેક્ટ્રીક વિહિકલ ખરીદદારોને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આપતી સબસીડીનો લાભ મળ્યો છે.

ગીર સોમનાથના એ.આર.ટી. ઓ.  યુ.એ. કારેલીયાએ કહે છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારની ઈ-વહિકલ માટેની પ્રોત્સાહિક નીતિના પગલે ઈલેક્ટ્રોનિક વિહિકલનો વ્યાપ વધી રહ્યો છે. પર્યાવરણમાં કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડીને પ્રદૂષણરહિત વાહનોને પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારની ફેમ-2 સબસીડી ઉપરાંત રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વિહિકલ પોલિસી-2021 અંતર્ગત ઇલેક્ટ્રિક વિહિકલ ખરીદવા પર લોકોને માતબર સબસીડી આપવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર પ્રતિ કિલોવોટ 10,000 ની સબસીડી આપે છે.

આ ઈ-વિહિકલની ખરીદીમાં મહત્તમ સબસીડીની મર્યાદા નક્કિ કરવામાં આવી છે. જે મુજબ ટુ, થ્રી અને ફોર વ્હિલર માટે અનુક્રમ મહત્તમ 20,000, પ0,000 અને 1.50 લાખની સબસીડી મળવા પાત્ર છે. આ માટે વાહન ઓનલાઈન અરજી કરવાની રહે છે.

કેન્દ્ર-રાજ્ય સરકારની આ આકર્ષક સબસીડીને કારણે સાપેક્ષમાં નાના ગણાતા ગીર સોમનાથ જિલ્લામાં ઇલેક્ટ્રિક વિહિકલની નોંધપાત્ર ખરીદી થવા પામી છે. જિલ્લામાં 308 ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવી છે. જેમાંના 198 વાહનોમાં સબસિડીનો લાભ મેળવવા માટે અરજી આવી છે. જેમાં 121 જેટલીઓ ગ્રાહ્ય રાખી વાહન ખરીદનારના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.