ધંધુકા પાસે ગમખ્વાર અકસ્માત: ખાનગી બસ પલ્ટી જતાં 36 મુસાફરો ઘાયલ, ૧૧ ગંભીર

અબતક-રાજકોટ

અમદાવાદનો પરિવાર ભાવનગર ખોડિયાર મંદિરે દર્શનાર્થે જતો હતો ત્યારે ધંધુકા પાસે બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ ૩૬ મુસાફરો ઘાયલ થયા છે જ્યારે ૧૧ મુસાફરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ખડોળ ગામના ચાર રસ્તા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ગઈ હતી. બસમાં સવાર ૫૬ માંથી ૩૫ મુસાફરો ઘાયલ થયા છે. જેમાં ત્રણ નાના બાળકો સહિત ૧૧ લોકોની હાલત ગંભીર છે. જો કે, ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા આ તમામ ઘાયલોને ધંધુકાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે અને ૪ લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે.

ધંધુકા પોલીસ મથકના સ્ટાફ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે અમદાવાદનો પરિવાર ભાવનગર ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન વહેલી સવારે જ બસ ધંધુકાના ખડોળ ગામ પાસે જ બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ૫૬ મુસાફરો ભરેલી બસ પલ્ટી મારી ગઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ ધંધુકા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને ઘાયલોને તુરંત સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બસ પલ્ટી મારી જતા કુલ ચાર બાળકો સહિત કુલ ૩૬ મુસાફરોને ઇજા થઇ હતી. જેમાં ૧૧ મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે અમદાવાદ સોલા સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અમદાવાદનો પરિવાર ખાનગી બસમાં ભાવનગર આવેલા ખોડિયાર માતાજીના મંદિર ખાતે દર્શનાર્થે જઇ રહ્યો હતો. તે દરમિયાન જ અકસ્માત સર્જાતા પરિવારના મોભી ગભરાઈ ગયા હતા. વહેલી સવારે નિંદ્રામાં રહેલા પરિવારને અકસ્માત નડતા હાઇવે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. તંત્ર દ્વારા તાબડતોડ કામગીરી હાથમાં લઈ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથધરી હતી.