- લિસ્ટેડ બુટલેગર ધવલ સાવલિયાએ શરાબનો જથ્થો મંગાવ્યો’તો : રૂ.17.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી રાજકોટ રૂરલ એલસીબી ટીમ
રાજકોટ રૂરલ એલસીબી ટીમે ભાયાવદરના જુના કેરાળા ગામની સીમમાંથી મોટો દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો છે. એલસીબી ટીમે કેરાળા ગામની સીમમાં આવેલ મકાનમાંથી દારૂની 3700 બોટલ તેમજ બિયરના 2230 ટીન સહિતનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે દારૂ, બિયર, વાહન સહીત કુલ રૂ.17.87 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના લિસ્ટેડ બુટલેગર ધવલ સાવલિયા સહીત કુલ ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
દારૂના દરોડા અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા દારૂ-જુગારની બદ્દીને નેસ્તનાબુદ કરી દેવાની સૂચનાને પગલે રૂરલ એલસીબી પીઆઈ વી વી ઓડેદરા, પીએસઆઈ એચ સી ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઈ જોષીને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા જુના કેરાળા ગામની સીમમાં આવેલ રહેણાંક મકાનમાં દારૂનો મોટો જથ્થો છુપાવેલ હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.
જ્યાંથી એલસીબી ટીમે ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની અલગ અલગ કુલ 3700 બોટલ જેની કિંમત રૂ.12,12,300, બિયરના 2230 ટીન જેની કિંમત રૂ. 2.23 લાખનો જથ્થો ઝડપાયો હતો. આ દરોડામાં એલસીબીએ અશોક લીલેન્ડ કંપનીનું યુટીલિટી વાહન, હીરો સ્પલેન્ડર વાહન, બે મોબાઈલ ફોન, જીઓ કંપનીનું રાઉટર સહીત કુલ રૂ. 17,87,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
રૂરલ એલસીબીની તપાસમાં આ દારૂનો જથ્થો રાજકોટના લિસ્ટેડ બુટલેગર ધવલ રસિકભાઈ સાવલિયાએ મંગાવ્યો હોય અને મકાન ભાડે રાખી રાજકોટના આજીડેમ નજીક રહેતા હાર્દિક અશોકભાઈ જોગરાજીયાના નામે ભાડા કરાર કર્યાનું સામે આવતા પોલીસે બંને શખ્સ તેમજ અશોક લીલેન્ડ વાહનના ચાલક એમ કુલ ત્રણ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.