Abtak Media Google News

બોમ્બ બ્લાસ્ટના કારણે મૃત્યુ પામેલાઓને 1 લાખ, ગંભીર ઇજાગ્રસ્તને 50 હજાર અને સામાન્ય ઘાયલને 25 હજારનું વળતર ચુકવવા આદેશ

અબતક, રાજકોટ

અમદાવાદમાં 14 વર્ષ પહેલાં એક સાથે 20 સ્થળે ત્રાસવાદી અને પ્રતિબંધીત સીમીના કાર્યકરો અને ઇન્ડિયન મુઝાહુદીન દ્વારા 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાની ચકચારી ઘટનાનો અમદાવાદમાં સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી પુરી થતા ન્યાયધીશ એ.આર.પટેલે વર્ચ્યુઅલ ચકાદો જાહેર કર્યો છે. 49 આંતકવાદીઓને દોષિત ઠેરવી સજા અંગેનો ચુકાદા જાહેર કરી 38ને ફાંસ અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાઓને રૂા.1 લાખ, ગંભીર રીતે ઘવાયેલાઓને રૂા.50 હજાર અને સામાન્ય ઇજાગ્રસ્તને રૂા.25 હજારનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. સવારથી જ સ્પેશયલ કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ રાજયના મહત્વના શહેરોમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. દેશ વિરૂધ્ધ યુધ્ધનું કાવતરૂ ઘડી સામુહિક હત્યાકાંડ સર્જી ત્રાસવાદી કૃત્ય આચરવા અંગે દોષિત ઠરાવવામાં આવ્યા છે.

ઇન્ડિયન મુઝાહુદીન દ્વારા એક સાથે 20 સ્થળે 21 ટાઇમર બોમ્બથી વિસ્ફોટ કરાયો’તો: 56 નિર્દોષ વ્યક્તિઓના મોત અને 208 ઘવાયા’તા

ગત તા.26 જુલાઇ 2008ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ, મણીનગર, ઠક્કરબાપાનગર, બાપુનગર, હાટકેશ્ર્વર સર્કલ, જવાહર ચોક, ખાડીયા, સરખેજ, રાયપુર, નારોલ, સારંગપુર, ઇશનપુર અને ગોવિંદવાડી સહિત 20 સ્થળે 21 જેટલા ટાઇમર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવતા 56 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને 208 જેટલા લોકો ઘવાયા હતા. બોમ્બ બ્લાસ્ટના પગલે અમદાવાદમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

દેશ વિરૂધ્ધ કાવતરૂ રચી યુધ્ધ કરવું, અનલોફુલ એક્ટિવીટીઝ પ્રિવેન્શ એક્ટ અને સામુહિક હત્યાકાંડ સર્જ્યાનો ગુનો સાબિત માન્યો

બોમ્બ બ્લાસ્ટની ઘટનાની એટીએસ સહિત સમગ્ર રાજયની પોલીસ તપાસમાં જોડાઇ હતી. જેમાં કુલ 78 શખ્સો સામે અમદાવાદમાં 20 એફઆઇઆર અને સુરતમાં 15 એફઆઇઆર નોંધવામાં આવી હતી. બોમ્બ બ્લાસ્ટના કુલ 35 કેસમાં 9800 પેઇઝનું પ્રાથમિક તપાસ પુરી કરી ચાર્જશીટ તૈયાર કરાયું હતુ. ત્યાર બાદ કુલ 547 ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયું હતું. જેમાં 3,47,800 પેઇઝનું તોતીંગ તહોમતનામ તૈયાર કરાયુ હતું. 78 આરોપીઓ પૈકીના એક શખ્સ સાહેદ બન્યો હતો અને એક શખ્સનું ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે મુખ્ય સુત્રધાર યાસિન ભટકલ અને અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર સામે અલગથી ટ્રાયલ ચલાવમાં આવશે યાસિન ભટકલ હાલ દિલ્હી જેલમાં અને અબ્દુલ સુભાન તૌકીર કોચીન જેલમાં છે.

ભાંગફોડના કાવતરાનો પોલીસે પર્દાફાશ કરી તમામને સજા થાય તેવા પુરવા માટે 164 મુજબ નિવેદન લીધા’તા

13 વર્ષની સુનાવણી દરમિયાન નવ જજ બદલાયા છે. આ કેસમાં ચાર સરકારી વકીલ બદલાયા છે. 1230 જેટલા સાહેદોને પડતા મુકવામાં આવ્યા છે. 1163 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી છે. 74 આરોપીઓના ફરી નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસમાં 6 હજારથી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ડે ટુ ડે કેસની સુનાવણી ચલાવવાનો હુકમ કરતા કોરોનાની મહામારી સમય દરમિયાન પણ ડે ટુ ડે કાર્યવાહી કરવામાં આવી હતી. કેસની સુનાવણી પુરી થતા ભદ્ર વિસ્તારની સિટી સેશન્સ કોર્ટમાં મહત્વના કેસમાં સૌ પ્રથમ વખત વર્ચ્યુઅલ ચુકાદો જાહેર કરાયો છે. જેમાં જજ અંબાલાલ પટેલે બોમ્બ બ્લાસ્ટના 49 આંતકવાદીઓને દોર્ષિત જાહેર કર્યા બાદ તેઓને આજે સજા સંભળાવવામાં આવી હતી. આ કેસમાં 28 શખ્સોને પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો કર્યો છે.

ઇન્ડિયન મુઝાહીદીન અને સીમીના કાર્યકરો દ્વારા કરાયેલા બોમ્બ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

બોમ્બ બ્લાસ્ટનો પર્દાફાશ કરવા ગુજરાત પોલીસની દેશને એક મોટી ભેટ હશે: નરેન્દ્રભાઈ મોદી

અમદાવાદ બોમ્બ ધડાકા કેસનો આજે ઐતિહાસિક કહી શકાય તેવો ચુકાદો આવ્યો છે ડીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ઘટના બાદ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને તત્કાલીન ગૃહમંત્રી અમીત શાહ પોલીસની ટીમ સાથે બેઠક યોજી તાત્કાલિક આ કેસનો ઉકેલ કરવા હિમાયત કરી ટીમને તાકીદ કરી હતી કે જો આ કેસ શોધી કાઢશો તો ગુજરાત પોલીસની દેશને મોટી ભેટ હશે, અત્યાર સુધી કોઇ બોમ્બ વિસ્ફોટ કેસ ઉકેલાયા નથી અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ પોલીસ ટીમને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું.

અમદાવાદ કેસના ચુકાદાથી મને અને મારી ટીમને પૂરો સંતોષ: ડી. જી.પી આશિષ ભાટિયા

દરેક તપાસની પોલીસ માટે કેસ હાથમાં આવે ત્યાંથી લઈને આરોપીને સજા થાય ત્યાં સુધી વ્યક્તિગત એટેચમેન્ટ રહેતું હોય છે આજે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીને ફાંસી અને 11 ને આજીવન કેદની સજા નો ચુકાદો પોલીસ ટીમ માટે એક ગોડ ગિફ્ટ ગણાય બીજીતરફ આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે મારી ટીમના દરેક સભ્યોને આ ચુકાદાથી સંતોષ છે પ્રારંભથી

જ અમારી ટીમે પુરાવા સાથે જે જે આરોપીને ઝડપી લીધા હતાં તે તમામને કસૂરવાર ફેરવવામાં ન્યાયિક રીતે અમને સફળતા મળી છે  અમે ઝડપેલા શરૂઆતના તમામ 1 થી 18 ને ફાંસીની સજા આપવામાં મળેલી સફળતા એ અમારી ચોક્કસ ચૂક કામગીરીની નિશાની છે દેશના ઇતિહાસમાં લેન્ડમાર્ક ચુકાદાથી અમારી આખી ટીમને સંતોષ છે. ભાટિયાએ જણાવ્યું હતું કે 26 મી જુલાઇ ના દિવસે ઘેર જમ્યા પછી હું ચાર મહિના પછી 24 નવેમ્બરે ઘેર જન્મ્યો હતો.

દેશના દુશ્મનોને સાત રાજયની જેલમાં રખાયા

બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલા 77 શખ્સોની એટીએસ દ્વારા અમદાવાદના 13, વડોદરાના 5, ભરૂચના 1, ભૂજના 1, સુરતના 2, મહારાષ્ટ્રના 11, મધ્યપ્રદેશના 12, કર્ણાટકના 10, ઉત્તર પ્રદેશના 9, કેરલના 5, આંધ્રપ્રદેશના 3, રાજસ્થાનના 3, ઝારખંડના 2 અને બિહારના 1 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી તે પૈકીના 49 શખ્સોને અમદાવાદ સાબરમતી જેલ, મધ્યપ્રદેશના ભોપાલની જેલમાં 10 શખ્સો, મહારાષ્ટ્રમાં મુંબઇની તલોજા જેલમાં 4, કર્ણાટકના બેંગલુરની જેલમાં 5, કેરળની જેલમાં 6, રાજસ્થાન જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં એક શખ્સને રાખવામાં આવ્યા હતા.

દેશના ઇતિહાસમાં 38ને ફાંસીની સજાનો સૌથી મોટો ચુકાદો

દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ થયેલી હત્યાના ગુનામાં સંડોવાયેલા 26 શખ્સોને ફાંસીની સજા ફટકારી હતી તેના કરતા પણ વધુ આરોપીઓને અમદાવાદની સ્પેશ્યલ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. દેશના ઇતિયાસમાં સૌથી વધુ 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 શખ્સોને આજીવન કેદની સજા ફટકારતો સૌથી મોટો ચુકાદો બની ગયો છે.

દેશી પ્રેમીએ આપેલી બાતમી મહત્વની સાબીત થઇ: અભય ચુડાસમા

અમદાવાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસ માટે ડીજીપી પી.સી.પાંડેએ જુદી જુદી ત્રણ ટીમ બનાવી હતી. અભય ચુડાસમા અને હિમાન્શુ શુકલાને ટેનિકલ સર્વેલન્સની કામગીરી સોપવામાં આવી હતી. જી.એલ.સિંઘલ અને મયુર ચાવડાને ઝડપાયેલા આરોપીઓની પૂછપરછની જવાબદારી સોપવામાં આવી હતી. અને રાજેન્દ્ર અસારી અને મયુર ચાવડાને આરોપીઓને ઝડપી લેવાની કામગીરી સોપી હતી. જેમાં ઉષા રાડા, જીતેન્દ્ર યાદવ, જે.ડી.પુરોહિત, તરૂણ બારોટ અને વી.આર.ટોલીયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ટીમ પૈકી તે સમયે ડીસીપી તરીકે ફરજ બજાવતા અભય ચુડાસમાને દેશ પ્રેમીએ બોમ્બ બ્લાસ્ટમાં મહત્વની થઇ શકે તેવી ભરૂચની બાતમી આપી સફેદ અને

લાલ કલરની કારનો ઉપયોગ થયાનું જણાવ્યું હતું. બાતમીના આધારે ભરૂચ ખાતે જે મકાનમાં બોમ્બ બન્યા તેનું સરનામું મળ્યું હતું. તેમજ ત્યાંથી મળી આવેલા મોબાઇલના આધારે સમગ્ર ઘટનાનો પર્દાફાસ થયો હતો. તેમજ હૈદરાબાદ, દિલ્હી, જયપુર અને બેંગ્લોરના બોમ્બ બ્લાસ્ટનું મહત્વનું પગેરૂ મળ્યું હતું.

બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં સુરંગ ખોદી’તી

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી 14 શખ્સોએ અમદાવાદ સાબમતી જેલની બેરેક નંબર 4માં 216 ફુટ સુરંગ ખોદી ભાગવાનો પ્લાન બનાવ્યાનો ઘટ્ટસ્ફોટ થયો હતો. હાફિઝ મુલ્લા ઉસ્માન અગરબત્તીવાલા નામનો શખ્સ સિવિલ એન્જિનીયરનો અભ્યાસ કરેલો છે. તેને અમદાવાદ સાબરમત્તી જેલની ભૌગોલિક રીતે રેકી કરી બેરેક નંબર 4માંથી મોટી ભુગર્ભ ગટર પસાર થતી હોવાથી ત્યાં સુરંગ ખોદવા માટે સ્ટીલનો ગ્લાસ, કપડાની દોરી, બે લોખંડના સળીયા, ધારદાર પથ્થર અને ટોર્ચની મદદથી 216 ફુટ સુરંગ ખોદી હતી. સુરંગ ખોદવામાં હાફિઝ મુલ્લા સાથે ઇન્ડિયન મુઝાહીદીનના ઝાહિદ શેખ, ઇમરાન શેખ, ઇકબાલ શેખ, મહંમદ સાજીદ મનસુરી, મૌલાના અબુ બસર, શિબલી મુસ્લિમ, મહંમદ યુનુસ મન્સુરી,

મહંમદ સાજીદ મન્સુરી, સૈફુરહેમાન, યાસિન પટેલ, મોહમદ રજાક, શાહ અદુલી અબ્દુલ અને નદીમ અબ્દુલે મદદ કરી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવતા બેરેક નંબર 4માં રહેલા 55 કેદીઓને અન્ય બેરેકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

બોમ્બકાંડના મુખ્ય સુત્રધારને યુપીથી લાવવા મોદીએ ખાસ પ્લેન ફાળવ્યું

બોમ્બ બ્લાસ્ટના ગુનાનો પર્દાફાસ કરવા તંત્ર દ્વારા તપાસ ટીમને પુરતો સહયોગ અને સગવડ પુરા પાડયા હતા. ભરૂચથી મળેલી કડી બાદ પગેરૂ ઉત્તર પ્રદેશના આઝમગઢ બીનાપુરા ખાતે નીકળ્યું હતુ. બીનાપુરાના અબુબસર ઉર્ફે મુફતી ઉર્ફે અબ્દુલ રસીદ અબુબકર શેખને ઝડપી ગુજરાત લાવવા માટે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાસ વિમાનની વ્યવસ્થા કરી આપતા પોલીસે અબુબસર ઉર્ફે મુફતી શેખ સહિત 13 શખ્સોની ધરપકડ કરી ગુજરાત લાવવામાં આવ્યા હતા. જેમાં અબુબસર ઉર્ફે મુફતી શેખને પણ અદાલતે ફાંસીની સજા ફટકારી છે.

બે સૂત્રધાર સામેની સુનાવણી બાકી

આ સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી જ્યારે અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે, તેમની સામેનો કેસ હજી કેસની સુનાવણી બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.