Abtak Media Google News
વિપક્ષે રોડ, રસ્તા પાણી પ્રશ્ર્ને તડાપીટ બોલાવી: નરસિંહ તળાવનું 2 મહિનામાં ટેન્ડર, 3 મહિનામાં કામ ચાલુ

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢ મનપાના ગઈકાલે મળેલ જનરલ બોર્ડમાં રૂ. 395.61 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરાયુ હતું, જૂનાગઢ મનપામાં અત્યાર સુધીના ઇતિહાસમાં નવનિયુક્ત મહિલા મેયરે પ્રથમ બોર્ડમાં માતાજીની સ્તુતિ, બાર જ્યોતિર્લિંગના પઠનથી શરૂઆત કરી હતી, જ્યારે વિપક્ષે અઢી વર્ષમાં કામ થયા નથી, તેવા આક્ષેપ સાથે રોડ, રસ્તા, પાણી પ્રશ્ને તડાપીટ બોલાવી કહ્યું હતું કે, વિકાસમાં સાથે પણ વિનાશના સામે રહીશું અને બધી યોજનાઓ કાગળ પર રહી ન જાય તેની તકેદારી રાખજો. જૂનાગઢ મહાનગર પાલિકાનું ગઈકાલે જનરલ બોર્ડ મનપાના સભાખંડમાં મળ્યું હતું જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્નાએ કારોબારી કમિટીને  અગાઉ સુપ્રત કરેલ રૂ. 404.72 કરોડના બજેટમાં સૂચવેલ રૂ. 9.10 કરોડના વેરા સામે સ્થાયી સમિતિએ 9.10 કરોડના વેરા બોજ હટાવી દઈ, રૂ. 395.61 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. તે બજેટ ગઈકાલે જનરલ બોર્ડમાં રજૂ થતા તેને બહુમતીથી મંજૂર કરાયું હતું. મનપાના વર્ષ 2022/23 ના બજેટમાં આ વખતે શહેરમાં વિકાસ માટેના અનેક કામો લેવામાં આવ્યા છે, અને મહાનગરમાં વસતા નાના બાળકોથી લઈને તમામ શેત્રના નગરજનોને સ્પર્શતું આ બજેટ હોવાનું મનપાના ડે.મેયર ગીરીશ કોટેચાએ જણાવી સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા ને શુભેચ્છા પાઠવી હતી,સામા પક્ષે બોર્ડમાં વિપક્ષે અગાઉના અઢી વર્ષમાં શહેરના વિકાસની માત્ર વાતો જ થઈ છે, ગામમાં ગટરના ઢાંકણા પણ બદલ્યા નથી તેવા આક્ષેપ થયા હતા. અને રસ્તા, પાણી, વિકાસના કામો મામલે ભારે તડાપીટ બોલાવી હતી. વિપક્ષી નેતા અદ્રેમાનભાઈ પંજાએ કહ્યું હતું કે, વિકાસમાં સાથે છીએ પણ વિનાશમાં સામે રહીશું, સાથોસાથ શાસકોએ રજૂ કરેલી વિવિધ યોજનાઓ યોજનાઓ સારી છે, પરંતુ માત્ર કાગળ પર રહી ન જાય અને તેની અમલવારી થાય તેવી કાળજી રાખજો તેવી ટકોર કરી હતી.બોર્ડની શરૂઆત પૂર્વે નવનિયુક્ત મેયર ગીતાબેન પરમારનું આ પ્રથમ બોર્ડ હોય, માતાજીની સ્તુતિ તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગના પઠન સાથે બોર્ડની શરૂઆત કરાઈ હતી, અંતમાં જય ભીમનો નારો લગાવ્યો હતો, આ સાથે ગઇકાલના બોર્ડમાં ગિરનાર શ્રેત્રના સંત કાશામિરીબાપુ અને ભારતના કોકિલ કંઠી સ્વ. લતાજીને બે મિનિટ મૌન પાળી, શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.