મોરબીમાં મમુ દાઢીની હત્યામાં 4ની ધરપકડ, સ્વીફ્ટ કારમાંથી મળી આવી પિસ્તોલ

અબતક, ઋષી મહેતા, મોરબી

મોરબીના નામચીન હનીફ કાસમાણી ઉર્ફે મમુ દાઢીને તેર ઈસમોએ ઘેરી અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી જેમાં મૃતક મમુ દાઢીના પુત્ર મકબુલ કાસમાણી એ નવ ઈસમો સામે નામ જોગ અને ચાર અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, એસઓજી પીઆઇ જે એમ આલ, એલસીબી પીઆઇ વી બી જાડેજા અને એ ડીવીઝનની જુદી જુદી ટીમોએ આરોપીઓના સગડ મેળવવા તપાસ હાથ ધરી હતી જેમાં હત્યામાં વપરાયેલી સ્વીફ્ટ કાર નં. જીજે ૩૬ એસી ૭૮૬૭ને વાંકાનેર તાલુકાના ખેરવા નજીકથી કબ્જે કરી હતી જેમાં તપાસ કરતા પીસ્ટલ અને એક ખાલી કાર્તિસ મળી આવ્યા હતા આ ઉપરાંત આજે પોલીસે આ હત્યાના ગુનામાં સંડોવાયેલા ઇરફાન યરમામદ બ્લોચ, ઈસ્માઈલ યરમામદ બ્લોચ, એજાજ આમદભાઈ ચાનીયા, રિયાઝ રજાકભાઈ ડોસાણીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધ કરવા તેમજ હત્યામાં વપરાયેલા અન્ય હથિયારો કબ્જે કરવા તેમજ વધુ માહિતી માટે તમામ ચારેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં આ પ્લાન કોના દ્વારા ઘડાયો હતો અને મુખ્ય આરોપીઓ ક્યાં છુપાયા છે વગેરે તપાસ મોરબી એસપી સુબોધ ઓડેદરા અને એલસીબી પીઆઇ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે તો બીજી બાજુ પાંચમો આરોપી રફીક માન્ડવીયા પણ પોલીસના હાથવેંતમાં હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે પોલીસે હાલ કડી થી કડી જોડવા અને તમામ રહસ્યો પરથી પડદો ઉચકવા રાત દિવસ એક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હત્યાનો આરોપ એક શખ્સ પર નાખી દેવાના ગેંગના કારસા પર પોલીસે પાણીઢોળ કરી

મમુ દાઢીની હત્યાને અંજામ આપ્યા બાદ  ઈમરાન ઉર્ફે બોટલનું નામ જાહેર કરવાનો પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો જેથી અન્ય કોઈના નામ આવે નહિ જો કે હત્યાના આ પ્લાન પર પોલીસે પાણી ફેરવી તમામ આરોપીઓના નામ સાથે ગુનો નોંધી ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે હાલ પોલીસ આ કેસમાં કાંઈ કચાસ ન રહે અને મોરબીમાં ગેંગ વોર પૂર્ણ થાય એ માટે મથામણ કરી રહી છે.