4 કોર્પોરેટરો સંક્રમિત: રાજકોટ- પદાધિકારીઓને ચેમ્બર-સભાગૃહ સેનિટાઇઝ કરાયા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેનની ચેમ્બર, ભાજપ કાર્યાલય, સ્ટેન્ડિંગનો કોન્ફરન્સરૂમ, સભાગૃહ અને સેક્રેટરી બ્રાન્ચને સેનિટાઇઝ કરી વાયરસમુક્ત કરાયા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિત ભાજપના ચાર કોર્પોરેટરો કોરોના સંક્રમિત થતાં કોર્પોરેશનમાં ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. સંક્રમણને ખાળવા માટે જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોત્તરીકાળ રદ્ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દરમિયાન વાયરસના નાશ માટે પદાધિકારીઓની ચેમ્બર અને સભાગૃહને સેનિટાઇઝ કરી દેવામાં આવ્યા છે.

ગઇકાલે સાંજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત તેઓના સાથી નગરસેવિકા આશાબેન ઉપાધ્યાય પણ કોરોના સંક્રમિત થયા છે. વોર્ડ નં.2ના કોર્પોરેટર જયમીન ઠાકર ઉત્તરપ્રદેશથી પરત ફરી કોરોનાના સંકજામાં સપડાયા છે. આ ઉપરાંત વોર્ડ નં.11ના કોર્પોરેટર ભારતીબેન ફર્નાન્ડીઝ પણ સપરિવાર કોરોનાના સંકજામાં સપડાયા છે.

સ્ટેન્ડિંગ ચેરમેન કોરોના સંક્રમિત થતાં ગઇકાલે સાંજે તાત્કાલીક અસરથી તેઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર, સ્ટેન્ડિંગ કમિટીનો કોન્ફરન્સરૂમ, ભાજપ કાર્યાલય, સેક્રેટરી શાખાનો સ્ટાફ રૂમ, સેક્રેટરીની કચેરી, ડેપ્યુટી મેયર ચેમ્બર અને મેયરની ચેમ્બરને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતાં. દરમિયાન આજે સવારે રમેશભાઇ છાયા સભાગૃહમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આવતીકાલે જનરલ બોર્ડની બેઠક મળનાર છે.

ભાજપના ચાર કોર્પોરેટરો સંક્રમિત થવાના કારણે શાસક અને વિરોધ પક્ષે સમજદારીથી નિર્ણય લીધો છે અને એક કલાકનો પ્રશ્ર્નોત્તરીકાળ રદ્ કરી દેવામાં આવ્યો છે. હાલ મહાપાલિકાના 30થી વધુ અધિકારીઓ પણ કોરોનાના સંકજામાં સપડાયા છે. જેના કારણે ડરનું લખલખું પ્રસરી જવા પામ્યું છે.