રાજકોટ સિવિલમાં વૃદ્ધ દર્દીને બહાર ફેંકવા મામલે 4 તબીબ સસ્પેન્ડ

બેદરકારી કરનાર તબીબો સામે આકરા પગલાં લેવાયા  બેને રજા પર ઉતારી નર્સની કરાય ટ્રાન્સફર

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ દર્દીને વહેલી સવારે વ્હિલચેરમાં બેસાડી વોર્ડની બહાર કાઢી મૂકે દેવાના મામલે આજે જવાબદાર તબીબો સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જેમાં નર્સિંગ સ્ટાફની બદલી કરાઈ છે.જ્યારે ચારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વૃદ્ધાને બહાર ફેંકવાની ઘટનામાં તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, વોર્ડ નં.10માં ફરજ પર મુકાયેલા મેડિસિન વિભાગના ડો. આશ્કા કારિયાએ વહેલી સવારે આયાબેન, નર્સ અને ઇન્ટર્નને સૂચના આપી હતી કે, વૃદ્ધાને વોર્ડની બહાર મૂકી દેવામાં આવે. બે ઈન્ટર્ન ડો. હિત બાબરિયા અને ડો. હર્ષ સિંઘ વૃદ્ધાને વ્હિલચેર પર બેસાડી બહાર કાઢી મૂક્યા હતા.આ તમામના નિવેદન બાદ ડો. આશ્કા કારિયાનું નિવેદન લેવાતા તેઓએ કહ્યું હતું કે, તેમના સિનિયર ડો. જયસન ધામેચા અને ડો. ભરત ચૌધરીએ દર્દીને બહાર કાઢવાનું કહેતા એ મુજબ કામ કર્યું છે. બાદ રિપોર્ટ આવતા તેના આધારે જુનિયર રેસિડેન્ટ ડો.આશ્કા કારિયા અને ડો. વિજય મકવાણાને 7 દિવસ માટે સસ્પેન્ડ જ્યારે ઈન્ટર્ન ડો. હિત બાબરિયા અને ડો. હર્ષ સિંઘને 3 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. સિનિયર રેસિડેન્ટ ડો. જયસન ધામેચા અને ડો. ભરત ચૌધરીને 7 દિવસની બિનપગારી રજા પર ઉતારાયા છે. નર્સિંગ સ્ટાફ પારૂલ ગળચર અને રાહુલ પટેલની ઓર્થોપેડિક વિભાગમાં બદલી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ અનેકવાર વિવાદોમાં સંપડાઈ છે. ત્યારે ફરી હોસ્પીટલની બેદરકારી સામે આવી છે.