- અગાઉ 13 ગુન્હા સહિત અલગ અલગ સ્ટેશનમાં 17 ગુન્હા નોંધાયા
- RTI એક્ટીવિસ્ટના નામે બાંધકામ તોડાવવાની આપી હતી ધમકી
- લેભાગુ તત્વો દ્વારા પત્રકાર બની પૈસા પડાવતા હોવાના આક્ષેપો
- આરોપીઓને પકડી પાડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા
સુરત: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતને શહેરમાં અમુક લેભાગુ તત્વો દ્વારા પત્રકાર બની સુરત મહાનગર પાલીકા કચેરીની બહાર અડ્ડો જમાવી R.TI એક્ટ હેઠળ ખોટી-ખોટી અરજીઓ કરી તેમજ બાંધકામ ચાલતુ હોય તે સાઈડ ઉપર જઈ ન્યુઝ પેપરમાં ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેઓના બાંધકામ તોડાવી પાડી તેમની પાસેથી બળજબરીપુર્વક પૈસા પડાવતી ૧૮ જેટલી વ્યક્તિઓ વિરૂધ્ધની રજુઆત મળેલ હતી. જેથી આ નામવાળી વ્યક્તિઓ વિરૂધ્ધ સખ્ત કાયદાકિય કાર્યવાહી કરવા નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી. સુરત શહેરનાઓને સુચના આપવામાં આવેલ હતી.
જે સુચના અન્વયે સયુંક્ત પોલીસ કમિશ્નર રાઘેવેન્દ્ર વત્સ ક્રાઈમના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી..સુરત શહેરના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.સુરત શહેરનાઓએ એસ.ઓ.જી..ના માણસોની અલગ અલગ ટીમો બનાવી R.T.I. એક્ટ ખોટી-ખોટી અરજીઓ કરી લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરી પૈસા પડાવતી ટોળકીઓ બાબતે તપાસ હાથ ધરતા ધ્યાને આવેલ કે, સુરત મહાનગર પાલીકાની સેન્ટ્રલ ઝોન કચેરીના બહાર આવી વ્યક્તિઓ અડીંગો જમાવી બેસી રહે છે અને તેઓ આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ છે. જેથી આવી વ્યક્તિઓ બાબતે માહિતી એક્ઠી કરવામાં કરી આ વ્યક્તિઓનો ભોગ બનેલ વ્યક્તિઓને સામે આવી નિડર અને બેખોફ થઈ ફરીયાદ કરવા અપીલ કરવામાં આવેલ હતી જે અપીલથી ભોગ બનનાર ફરીયાદીઓ પોલીસ સમક્ષ આવી તેઓની સાથે બનેલ બનાવ બાબતે લાલગેટ, મહિધપુરા અને અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનોમાં અગાઉ કુલ્લે- 13 ફરીયાદો દાખલ કરવામાં આવેલ હતી.
બાદ સદરહુ બાબતે હજુ લોકોમાં વધુ જાગરૂક્તા આવે અને તેમની સાથે થયેલ ગુનાહિત બનાવ બાબતે પોલીસ સમક્ષ આવી ફરીયાદ કરી આવી ટોળકીને ઉજાગર કરે તે બાબતે પ્રિન્ટ મિડીયા અને ઇલેટ્રોનીક મિડીયાના માધ્યમથી લોકોને જાહેર અપીલ કરવામાં આવેલ હતી. જેના ફળસ્વરૂપે આવી ખંડણીખોર ટોળકીના ભોગ બનેલ અન્ય ભોગબનનાર વ્યક્તિઓ સામે આવી તેઓ દ્વારા અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન ખાતે અન્ય ચાર ફરીયાદો દાખલ કરવામાં આવેલ હતી. જેથી અત્યાર સુધીમાં કુલ્લે-17 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઉપરાંત સુરત શહેરની અન્ય ઝોનની કચેરીની બહાર અડ્ડો જમાવી R.T.I. એક્ટ ખોટી-ખોટી અરજીઓ કરી લોકોને હેરાન પરેશાન કરતી વ્યક્તિ બાબતે પણ તપાસ હાથ ધરી તે દિશામાં પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે.