Abtak Media Google News

દેશના અન્ય શહેરોને દિલ્હી બનતા અટકાવવા કેન્દ્ર સરકાર કટીબદ્ધ: 15માં નાણાપંચ હેઠળ ગ્રાન્ટ ફાળવી

હવા શુદ્ધિકરણ માટે કેવા પ્રકારની કામગીરી કરવી તેનો સર્વે માટે એજન્સી નિયુક્ત કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત

દેશની રાજધાની દિલ્હીમાં રહેતા લોકો માટે શ્ર્વાસ લેવા પણ મુશ્કેલ બની ગયા છે. ખુદ અદાલત દ્વારા એવી ટકોર કરવામાં આવી છે કે, તમારે જીવવું હોય તો તાત્કાલીક દિલ્હી છોડો, પ્રદૂષણ એટલી હદે પહોંચી ગયું છે કે, હવે દિલ્હીમાં રહેવું મહામુશ્કેલ બની ગયું છે. ભવિષ્યમાં અન્ય શહેરો દિલ્હીની માફક પ્રદુષણથી ઘેરાઈ ન જાય તે માટે કેન્દ્ર સરકાર કટીબદ્ધ બની છે.

રાજકોટ સહિતના શહેરોને હવા શુદ્ધિકરણની કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. શહેરમાં હવા શુદ્ધિકરણ કરવા માટે કેવા પ્રકારની કામગીરી કરવી તે માટે એજન્સી નિયુક્ત કરવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગની બેઠકમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને 15માં નાણાપંચ હેઠળ એર ક્વોલીટી પેરામીટર મોનીટરીંગની આનુસંગીક કામગીરી માટે 40 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી એર ક્વોલીટી મેનેજમેન્ટ માટે સ્ટ્રેન્થનીંગ ઓફ ઈસ્ટ્યિટુશનલ ફ્રેમવર્ક, સોર્સવાઈઝ કોર્ષ એનાલીસીસ ફોર એર પોલ્યુશન, પ્રોગ્રેશ ઓન એકશન પ્લાન એન્ડ કમ્પલીશન ઓફ સ્ટેટરી ગાઈડ લાઈન ક્વોલીફીકીકેશન એન્ડ ઈન વેલ્યુએશન ઓફ એર ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટની કામગીરી કરવાની થાય છે જે અન્વયે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ સોર્સ એપોઈટમેન્ટ સ્ટડીનું કામ એક થી દોઢ વર્ષમાં પૂરું કરવાનું રહે છે. અમદાવાદમાં આ પ્રકારની કામગીરી સરકારની સંસ્થા એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈસ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં પણ આ પ્રકારની કામગીરી કરવા માટે જીઈએમઆઈનો સંપર્ક કરવામાં આવતા તેઓએ આ કામગીરી માટે 77 લાખનું ફાઈનાન્સીયલ પ્રપોઝલ આપ્યું હતું અને જેમાં 50 ટકા એડવાન્સ પેમેન્ટ આપવાની શરત રાખવામાં આવી છે. પર્યાવરણ ઈજનેર અને નાયબ કમિશનરના અભિપ્રાય મુજબ આ રકમ યોગ્ય લાગતા હવે હવા શુદ્ધીકરણની કામગીરી માટે સોર્સ એપોઈન્ટ સ્ટડીની કામગીરી ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઈસ્ટિટયુટ પાસે કરવા 77 લાખનો ખર્ચ મંજૂર કરવા દરખાસ્ત કરવામાં આવી છે.

આ એજન્સી દ્વારા રાજકોટમાં હવા શુદ્ધિકરણની કામગીરી માટે શું કરવું જોઈએ તેનો પ્રાથમિક સર્વે કરવામાં આવશે. શહેરના ક્યાં વિસ્તારમાં એર પોલ્યુશન વધુ છે અને ક્યાં વૃક્ષારોપણની જરૂર છે તે સહિતના મુદ્દા સહિતનો સર્વે કરશે. હવા શુદ્ધિકરણ માટે મહાપાલિકા દ્વારા 40 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.