- બદ્રીનાથના કપાટ ચાર મેએ ખુલશે, શરૂઆતના તબક્કામાં વીઆઈપી દર્શન બંધ રાખવામાં આવશે
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે વહીવટીતંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, 15 એપ્રિલ સુધીમાં બધી વ્યવસ્થા થઈ જશે. આ વર્ષે 60 ટકા નોંધણીઓ ઓનલાઈન અને 40 ટકા ઓફલાઈન થશે. બુધવારે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યાત્રા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં યોજવામાં આવી હતી. જેમાં ચારધામ યાત્રાને સફળ બનાવવા માટે સૂચનો પણ લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે, યાત્રા શરૂ થયાના પહેલા મહિનામાં વીઆઈપી દર્શન પર પ્રતિબંધ રહેશે.પાંડેએ જણાવ્યું હતું કે, આ વર્ષે 40 ટકા નોંધણીઓ ઑફલાઇન કરવામાં આવશે જેથી ગ્રામીણ વિસ્તારોના યાત્રાળુઓને ઑનલાઇન નોંધણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમણે ઉમેર્યું કે, ગઈ વખતે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના યાત્રાળુઓને ઓફલાઇન નોંધણી વિકલ્પ ઉપલબ્ધ ન હોવાને કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે નોંધણી પછી યાત્રાળુઓને આપવામાં આવેલા સ્લોટમાં હિમાલયના મંદિરોની યાત્રાના પરંપરાગત ક્રમનું ધ્યાન રાખવામાં આવશે. ચારધામ યાત્રાળુઓને યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથના ક્રમમાં સ્લોટ મળશે. ચારધામ યાત્રા રૂટ પરનું તમામ કામ 15 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાશે.આ વખતે યાત્રા રૂટ પર દર દસ કિલોમીટરના અંતરે ચિત્તા પોલીસ અથવા હિલ પેટ્રોલિંગ યુનિટની ટુકડી તૈનાત કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. ચારધામ યાત્રા દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં શરૂ થાય છે. બદ્રીનાથના દરવાજા 4 મેના રોજ ખુલવાના છે જ્યારે અન્ય ત્રણ ધામ- કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ખુલવાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.