Abtak Media Google News

 

બે દિવસ મણે રૂ.1950એ પહોચેલો ભાવ હાલ 1750થી 1780 રૂપીયાએ સ્થિર

 

લખતર માર્કેટિંગ યાર્ડમાં કપાસની ખુલ્લી હરાજીમાં કપાસનાં ભાવ ઘટતા હવે યાર્ડમાં કપાસની આવક પણ ઓછી થતી હોય તેવો ઘાટ સર્જાયેલો છે. હજુ કપાસની સીઝન સંપૂર્ણપણે પૂર્ણ થઇ નથી. તેમ છતાં ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં કચવાટ છે. છેલ્લા 2 દિવસના અંતરમાં જ 400 મણ કપાસની આવક ઘટી ગઇ હતી. તો અમુક લોકો દ્વારા ભાવ ઊંચા જવાની રાહે કપાસ રાખી મુક્યો તેવું પણ જાણવા મળે છે.

લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હેઠળનું માર્કેટિંગ યાર્ડ વર્ષોથી સુમસામ હતું. જેને ધમધમતું બનાવવા સમિતિના ચેરમેન હિતેન્દ્રસિંહ રાણાએ કપાસની ખુલ્લી હરાજી ગત વર્ષે શરૂ કરી હતી. જેના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થયો હતો. જેને ધ્યાને લઈને આ વર્ષે પણ ચેરમેન દ્વારા કપાસની ખુલ્લી હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં કપાસની વિપુલ માત્રામાં આવક થઇ હતી.

ખેડૂતોને ભાવ પણ ઘણા સારા મળી રહ્યા હતા. બે દિવસ પહેલા મણે રૂ. 1950ના ભાવે 1200 થી 1500 મણ સુધીની કપાસની આવક થતી હતી. ત્યારે અચાનક કપાસનાં રૂ. 1750 થી 1780નો ભાવ નીચા જતા યાર્ડમાં કપાસની આવક 400 મણ જેટલી ઘટી હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, શુક્રવારે પણ રૂ. 1750થી 1780ના ભાવે યાર્ડમાં 840 મણ કપાસની આવક થઇ હતી.

મળતી માહિતી મુજબ કપાસનાં પહેલા ઉતારા બાદ હજી સુધી કપાસનો બીજો ઉતારો આવ્યો ન હોવાથી કપાસની આવક ઘટી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જયારે આવક વધારે હોય ત્યારે ભાવ સામાન્ય રહેતા હોય છે. અને આવક ઘટે ત્યારે ભાવ વધતા હોય છે. પરંતુ અહીં કપાસની આવક ઘટતા ભાવ પણ ઘટ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.