વિશ્વમાં 0 થી 6 માસના 42 ટકા બાળકો સ્તનપાનથી વંચિત !!

  • સર્વે મુજબ 58 ટકા ધાત્રી માતાઓ  બાળકને સ્તનપાન કરાવે છે: ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ ઉજવાય છે ‘વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ’
  • બાળકના પ્રથમ છ માસ સુધી તેના સંપૂર્ણ વિકાસ માટે સ્તનપાન અતી આવશ્યક: 1992થી ઉજવાતા આ સપ્તાહની આ વર્ષની થીમ ‘સ્ટેપ અપ ફોર બ્રેસ્ટ ફીડીંગ છે

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને યુનીસેફ દ્વારા 1991માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટ ફીડીંગ એક્શન (WABA)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા વૈશ્ર્વિકસ્તરે સ્તનપાનના રક્ષણ, પ્રોત્સાહન અને સમર્થન માટે વિવિધ જનજાગૃત્તિ લાવા દર વર્ષે 1992થી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ‘વિશ્ર્વ સ્તનપાન સપ્તાહ’ ઉજવાય છે. આ વર્ષની ઉજવણી થીમ ‘સ્ટેપ અપ ફોર બ્રેસ્ટ ફીડીંગ’, એજ્યુકેટ અને સપોર્ટ રાખવામાં આવી છે.

એક સર્વે મુજબ 0 થી 6 માસના 58 ટકા બાળકોમાં જ માત્ર સ્તનપાન કરાય છે. જ્યારે 42 ટકા બાળકો કોઇને કોઇ કારણોસર બાળક આ લાભથી વંચિત રહે છે. જેના કારણોમાં મુખ્યત્વે માતા જવાબદાર જોવા મળે છે. આવા બાળકોને માતાના દૂધ સિવાય અન્ય ફોર્મ્યુલા મિલ્ક કે અન્ય પ્રાણીઓનું દૂધ અપાય છે જે બાળકના સ્વાસ્થ્ય માટે ગંભીર ગણાય છે.

માતાનું દૂધ બાળકને પચવામાં સહેલું હોવા ઉપરાંત લગભગ તમામ પ્રકારના વિટામીનો મળી જતાં હોવાથી તેનો ઝડપી સંર્વાગી વિકાસ થાય છે. સ્તનપાન બાળકને ન કરાવવાથી સુક્ષ્મ પોષકતત્વો આર્યન, વિટામીન-ડી, વીટામીન બી-12 અને ફોલેટની ઉણપ જોવા મળે છે.

આ ઉપરાંત 6 માસથી પાંચ વર્ષના બાળકોમાં તથા 15 થી 49 વર્ષની મહિલાઓમાં લોહીની ઉણપ (પાંડુરોગ) ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે બાળકના માનસિક વિકાસ પર અસર કરે છે. આ તત્વોની ઉણપને કારણે પાંચ વર્ષથી નાના બાળકોમાં 36 ટકા ઠીંગણાપણું અને 7 ટકા ગંભીર પ્રકારનાં કુપોષણ જોવા મળે છે.

આવા કુપોષિત બાળકોમાં ભવિષ્યમાં હૃદ્ય, કિડની, ડાયાબીટીસ, હાઇપરટેન્શન અને મેદસ્વીતા જેવી બિમારીની સંભાવના વધી જાય છે. આપણાં દેશમાં અને ગુજરાતમાં કુપોષણને નાથવામાં સ્તનપાનને પ્રાથમિક અને અત્યંત પાયાનું પરિબળ ગણાય છે ત્યારે દરેક માતા બાળકને સ્તનપાન કરાવે તે અગત્યની બાબત છે. પ્રસૃતિ બાદ સ્તનપાન જાગૃતિને કારણે બાળકનાં વિકાસ અને વજનમાં સતત વધારો જોવા મળે છે. આજે સમગ્ર વિશ્ર્વ સાથે આપણાં દેશમાં આ સ્તનપાન સપ્તાહ ઉજવાય છે ત્યારે જન-જન સુધી ‘સ્તનપાનએ વિકલ્પ નહી સંકલ્પ છે’ સંદેશ પહોંચાડવા સર્વો કાર્ય કરવું જરૂરી છે. “સ્તનપાન છે, નવજાત બાળક માટે અમૃતપાન”