Abtak Media Google News

આયાતી ક્રુડ ઉપરના કિંમતી હુંડીયામણનું ભારણ ઘટાડવા 7.5 ટકાની જગ્યાએ 20 ટકાનું લક્ષ્યાંક હાંસલ કરવા સરકારે કમરકસી

વિશ્વમાં ક્રુડની સૌથી વધુ આયાત કરતો ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ ભારત છે. દર વર્ષે દેશનું 80 ટકા ફોરેન રીઝર્વ ક્રુડની આયાતના કારણે ખર્ચાઈ જાય છે. દેશની તિજોરી પર પડતા આ ભારણને ઘટાડવા મોદી સરકારે તબક્કાવાર રણનીતિ ઘડી છે. જે મુજબ એક તરફ ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઈંધણમાં ઈથેનોલનું મિશ્રણ કરી આયાત ઘટાડવા પ્રયાસો થાય છે. જેના અનુસંધાને દેશમાં 422 ઈથેનોલ પ્રોજેકટને મંજૂરી મળી છે. જેમાં રૂા.41000 કરોડનું મુડી રોકાણ થશે.

સરકારે મંજૂરી આપેલા 422 પ્રોજેકટથી ઉત્પાદન ક્ષમતામાં 1675 કરોડ લીટરનો ઉમેરો થશે. એકંદરે આયાતી ક્રુડના કારણે તિજોરી ઉપર પડેલુ ભારણ ઘટાડવા માટે ઈંધણમાં 20 ટકા સુધીનો ઈથેનોલ મિશ્રણનો ટાર્ગેટ પૂર્ણ કરવા સરકારે કમરકસી છે. 12 રાજ્યોમાંથી ઈથેનોલના પ્રોડકશન માટે પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રસ્તાવના પરિણામે કરોડો ખેડૂતોની આવકમાં વધારો થશે. આગામી 3 વર્ષમાં જ ઈથેનોલની પ્રોડકશન કેપેસીટી બે ગણી કરવામાં મદદ મળશે.  વર્તમાન સમયે દેશમાં પ્રોડકશન કેપેસીટી 684 કરોડ લીટરની છે. નવા પ્રોજેકટના કારણે તેમાં વધારો થશે.

અનાજ આધારિત ડિસ્ટીલેરી ફેકટરીમાં ક્રેડીટ ફેસેલીટી અપાશે. જેમાં સરળતાથી ફાયનાન્સ પણ મળશે. વિગતો મુજબ દેશમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણનો ટાર્ગેટ હાસલ કરવા માટે 1000 કરોડ લીટર ઈથેનોલ બનાવવાની જરૂર છે. ઉપરાંત 400 કરોડ લીટર ઈથેનોલ કેમીકલ ઉદ્યોગ અને અન્ય સેકટર માટે જરૂરી છે. કુલ 1400 કરોડ લીટર ઈથેનોલની જરૂરીયાત સામે 700 કરોડ લીટર સુગર ઈન્ડસ્ટ્રી દ્વારા સપ્લાય કરવામાં આવે છે. જ્યારે અન્ય 700 કરોડ લીટર ઈથેનોલ અનાજમાંથી બનાવી આપવામાં આવે છે.

નોંધનીય છે કે, દેશમાં આયાતી ક્રુડનું ભારણ ઘટાડવા માટે મોદી સરકારે અનેક પ્રયત્ન કર્યા છે. વર્તમાન સમયે પેટ્રોલમાં 8.5 ટકા ઈથેનોલનું મિશ્રણ થાય છે. આ ટકાવારી આવતા વર્ષે 10 ટકા કરવાનું લક્ષ્યાંક છે અને 2025 સુધીમાં ઈંધણમાં 20 ટકા ઈથેનોલ ઉમેરવા કવાયત હાથ ધરાઈ છે. અલબત ઈથેનોલનું ઉત્પાદન વધારવું જરૂરી છે. જેથી સરકારે 422 ઈથેનોલ પ્રોજેકટને લીલીઝંડી આપી છે જે પૈકીની 201 દરખાસ્તો અનાજ આધારિત ઈથેનોલના ઉત્પાદન માટે અને 141 દરખાસ્તો અનાજ અને ખાંડસરી આધારિત ઈથેનોલ માટે મળી છે. આ ઉપરાંત સરકારે સુગર મીલને 60 લાખ ટન ખાંડને ઈથેનોલના ઉત્પાદન માટે રાખવાનું પણ કહ્યું છે.

ખેડૂતોની આવક બે ગણી કરવાની સાથે ઈંધણમાં પણ આત્મનિર્ભરતાનું લક્ષ્યાંક

મોદી સરકારે ખેડૂતોની આવક બે ગણી કરવા માટે અનેક યોજનાઓની અમલવારી કરી છે. જેના પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ટેકાના ભાવથી ખરીદી અને ખેડૂતોના ખાતામાં નાણા સીધા જમા કરવા સહિતની યોજનાઓ અસરકારક રહી છે. આવી સ્થિતિમાં ઈથેનોલ પણ ખેત પેદાશમાંથી જ બનતું હોવાથી 2025 સુધીમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક પૂર્ણ થાય ત્યાં સુધીમાં ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. એકંદરે ખેડૂતોની આવક બે ગણી કરવા મોદી સરકારનું આ પગલું મહત્વનું બનશે. આ સાથે જ ઈંધણની આયાતમાં પણ ઘટાડો થશે. ઈંધણમાં આત્મનિર્ભર બનવા માટેના કપરા ચઢાણમાં ઈથેનોલ પાયાની ભૂમિકા ભજવશે.

અનાજ સહિતની વસ્તુઓમાંથી બને છે ઈથેનોલ

વર્તમાન સમયે દેશમાં ઉત્પાદિત થતાં ઈથેનોલમાં સુગર મીલનો ફાળો મોટો છે. ખાંડસરીમાંથી ઈથેનોલ બનાવવામાં આવે છે. આ સાથે જ ચોખા કણકી, અનાજ, મકાઈ સહિતના ખેત આધારિત ઉત્પાદનોમાંથી પણ ઈથેનોલ બનાવવામાં આવે છે. આ પ્રકારની ખેત પેદાશોમાંથી 700 કરોડ લીટર ઈથેનોલ બનાવવા માટે દેશમાં 1.75 કરોડ ટન અનાજની જરૂરીયાત રહેશે. જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.