ગામડામાં રહેતા ૪૫ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણે છે: ૫૫ ટકા મોબાઈલમાં ગેઈમ રમે છે

ગ્રામ્ય વિસ્તારના ૮૫ ટકા વાલીઓનો એક જ પ્રશ્ર્ન ઈન્ટરનેટ પેક અને મોબાઈલ, જેના કારણે ઘર ખર્ચ ઉપાડવો પણ મુશ્કેલ  બન્યો

હાલના સમયે જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ છે ત્યારે શહેરી વિસ્તારોમાં સુવિધા મળી રહે છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના વિદ્યાર્થીઓના જીવનનિર્વાહ નો આધાર ખેતી હોય છે સાથે મોટાભાગના ઘરના સભ્યોમાં બાળકોની સંખ્યા ત્રણથી ચાર હોય છે જેમના કારણે બધા બાળકોને મોબાઈલ આપવો એ ખૂબ મુશ્કેલ છે અને સાથે બધા જ બાળકોના મોબાઈલમાં ઈન્ટરનેટની સુવિધા પણ નથી હોતી. ઘણા ગામોમાં નેટ સુવિધા ઓછી ઉપલબ્ધ હોય છે જેના કારણે બાળકને અભ્યાસમાં તકલીફ પડે છે જે શિક્ષક બોલે તે સંભળાતું પણનથી હોતું.

એક બાજુ એક સમય હતો કે, બાળકોને મોબાઈલ જેવા ઈલેક્ટ્રીક ડિવાઇસથી દૂર રાખવા જોઈએ એ સલાહ હતી અને બીજી બાજુ ઓનલાઇન શિક્ષણના કારણે ગરીબ વાલીઓ અને માતા-પિતાને પણ દેવું કરીને પણ પોતાના સંતાનોને મોબાઈલ આપવા પડે છે કોરોના પશ્ચાતના સમયમાં આ એક કરુણ દુ:ખ રહેશે. ૮૫%  પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઇન ક્લાસ કરતા મોબાઈલ પર ગેમ રમવામાં વધુ રસ પડતો જાય છે અને આ રીતે કહેવાતો ઓનલાઇન શિક્ષણનો હેતુ માર્યો જાય છે.ગ્રામ્ય વિસ્તારના ૮૫% આસપાસ વાલીઓ માટે એક ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન છે ઈન્ટરનેટ પેક અને મોબાઈલ. કારણકે ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે પાક તો નિષ્ફળ ગયો. જેમના કારણે ઘર ખર્ચ ઉપાડવો પણ મુશ્કેલીમાં પડી ગયો છે.

જો શહેરી વિસ્તાર હોય તો ત્યાં વાઈફાઈની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે પણ ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કમાં પણ તકલીફ પડતી હોય ત્યાં વાઇ-ફાઇની સુવિધા અશક્ય બને છે.ભારતની શાળા કોલેજો છેલ્લા ઘણા મહિનાથી કોરોના સંકટ અને લોકડાઉનને કારણે બંધ છે ત્યારે ઓનલાઈન શિક્ષણનું વિકલ્પ છે પરંતુ ઘણી જગ્યાએ બાળકો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ સુવિધાના અભાવે આનો લાભ મળી શકતો નથી.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ સમસ્યા વધુ રહેલી છે. ઓનલાઇન શિક્ષણની આ સુવિધા શહેરી વિસ્તારોની શાળાઓમાં ભણતા બાળકો સુધી પહોંચી રહી છે પરંતુ તે હજી પણ ગ્રામીણ વિસ્તારોના બાળકોથી ખૂબ દૂર છે.

આમ કોવિડ -૧૯ રોગચાળાને લીધે, શહેરી વિસ્તારના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણનો  આશરો લીધો છે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં બાળકો સુવિધા ન હોવાના કારણે, યોગ્ય સાધનોના અભાવને કારણે શિક્ષણ પર નિષેધક અસર પડતી જોવા મળી રહી છે.

છોકરીઓને સહુથી વધુ મુશ્કેલી ઓનલાઈન શિક્ષણની સહુથી નિષેધક અસર છોકરીઓને થઈ છે. ઘરકામના કારણે પોતાનો અભ્યાસ તેને જતો કરવો પડે છે સાથે ઘરમાં પણ છોકરાઓના અભ્યાસને વધુ મહત્વ અપાઈ રહ્યું હોય છે.

મોટાભાગનાં ઘરોમાં એક જ મોબાઈલ ફોન હોય છે

વધુ પડતા વિદ્યાર્થીઓના ઘરે એક જ સ્માર્ટફોન હોય છે જે તેમના માતાપિતા રાખે છે. એક શિક્ષકના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે જ્યારે અમે બાળકોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે તેમના માતાપિતા ફોન ઉપાડે છે. તેઓ અમને કહે છે  કે તેઓ અત્યારે બહાર કામ કરવા ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૪૫% વિદ્યાર્થીઓ   અભ્યાસ કરી રહ્યા છે, ૫૫% બાળકો રમત  રમી સમય પસાર કરે  છે. ગ્રામીણ વિસ્તારોમાં ૩૫% પરિવારો પાસે સ્માર્ટફોન નથી.  જેમની પાસે છે તેની પાસે ઇન્ટરનેટ પેક નથી એવા ૨૭% પરિવાર છે.