તાલાલા તાલુકાના 45 ગામો દ્વારા ગુરૂવારે બંધનું એલાન: કોંગ્રેસે કર્યો ટેકો જાહેર

  • કેસર કેરીના પાકનું વળતર ચૂકવવાની માંગ સાથે
  • જો રાજય સરકાર માંગણી નહીં સ્વીકારે તો  આંદોલન વધુ ઉગ્ર બને તેવી શકયતા

તાલાલા તાલુકાના 45 ગામોના ખેડૂતોએ નાશ પામેલ કેશર કેરીના પાકનુ વળતર ચુકવવાની માંગ સાથે 26 મી મેના રોજ આપેલ બંધના એલાનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ દ્રારા સમર્થન આપી ટેકો જાહેર કર્યો.ગીરસોમનાથ જિલ્લાના તાલાલા-ગીર પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કેશર કેરીના પાકને નુકસાન થતા પાક સંપૂર્ણ નાશ પામેલ છે.

આ નાશ પામેલ પાકનુ વળતર મેળવવા માટે તાલાલા-ગીર પંથકના 45 ગામના કિસાનોએ તારીખ-26 ને ગુરૂવારના રોજ ગામો બંધ પાળવાનુ એલાન આપેલ છે. ગીર વિસ્તારના કેશર કેરીના ઉત્પાદક કિસાનોની યોગ્ય માંગણીને સમર્થન આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલાલા શહેર કોંગ્રેસ અને તાલાલા તાલુકા કોંગ્રેસ સમિતિએ કિસાનોનાએ આપેલ સજ્જડ બંધના એલાનને સમર્થન આપી ટેકો જાહેર કરેલ છે.

તાલાલા-ગીર વિસ્તારમાં કેશર કેરીના પાકને ગત વર્ષે તૌકતે વાવાઝોડાના કારણે પાકને મોટુ નુકશાન થયેલ અને કિસાનોનો પાક નિષ્ફળ ગયેલ, ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે ઉભી થયેલ પરિસ્થિતિએ આંબા ઉપર તૈયાર થતા પાકનો નાશ કરી નાખતા કેશર કેરીનુ બાળ મરણ થયેલ છે.તાલાલાના ગીર વિસ્તારમાં બે વર્ષથી કેશર કેરીનો પાક નિષ્ફળ જતા કેરીના ઉત્પાદક કિસાનોને આર્થિક રીતે મોટો ફટકો પડયો છે.

આ આર્થિક નુકસાનના કારણે કિસાનો નોધારા થઈ ગયા છે, આ નોધારા થઈ ગયેલા કિસાનોને આર્થિક પાયમાલીથી બચાવવા ઉનાના ધારાસભ્ય  પુંજાભાઈ વંશ, કોડીનારના ધારાસભ્યશ્રી મોહનભાઈ વાળા અને તાલાલા-ગીરના ધારાસભ્ય  ભગવાનભાઈ બારડ દ્રારા મુખ્યમંત્રીને અવારનવાર વિસ્તૃત વિગતો સાથે રજુઆતો કરવામાં આવેલ પરંતુ કિસાનોની યોગ્ય માંગણી પ્રત્યે ભાજપની સરકારે ઉદાસીનતા રાખતા અને કિસાનોના હિતમાં કોઈ નિર્ણય ના લેતા તાલાલા-ગીર વિસ્તારમાં જબરો રોષ ફેલાયો છે.

કિસાન સંગઠનો દ્વારા, સહકારી સંસ્થાઓ દ્વારા અને ધારાસભ્ય ઓ દ્વારા કરવામાં આવેલ રજુઆતોને નિષ્ઠુર અને કિસાન વિરોધી ભાજપ સરકાર દ્વારા ધ્યાનમાં ના લેવાતા કિસાનોએ ઉગ્ર લડત કરવા નિર્ણય લીધો છે જે અંતર્ગત તારીખ-26  ને ગુરૂવારના રોજ તાલાલા-ગીર વિસ્તારના 45 ગામો સજ્જડ બંધ પાળશે જેના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલાલા શહેર કોંગ્રેસ સમિતિ, તાલાલા તાલુકા કોંગ્રેસ સમિતિ, તાલાલાના ધારાસભ્ય  ભગવાનભાઈ બારડ દ્વારા ટેકો જાહેર કરેલ છે અને કિસાનોને યોગ્ય ન્યાય અપાવવા આ લડતમા જોડાશે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુત અને ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ  મનસુખભાઈ ગોહેલ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે.