Abtak Media Google News

1268 બાળકો કિડની અને 771 બાળકો કેન્સર ગ્રસ્ત જણાયા

આણંદ-ભાવનગર-સાબરકાંઠા-પંચમહાલમાં સૌથી વધુ બાળદર્દી

શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં નાનપણથી જ ઘણી બીમારીઓ જોવા મળી રહી છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાથમિક શાળાના 4,602 બાળકો હૃદય રોગ, 1268 બાળકો કિડની અને 771 બાળકો કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં નવેમ્બર 2021ની સ્થિતિના 25 જિલ્લાના આ આંકડા સામે આવ્યા છે. હૃદયની તકલીફથી પીડાતાં બાળકોની સંખ્યા સૌથી વધારે છે, જે પૈકી આણંદ જિલ્લામાં 504 અને ભાવનગર જિલ્લામાં 449 આ ઉપરાંત સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં 268-268 બાળકો હૃદયની તકલીફથી પીડાતાં હોવાનું તપાસમાં જણાયું છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગંભીર રોગના કિસ્સામાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં હ્રદય રોગના, કિડની વાળા બાળકોને કિડની ઈન્સ્ટિટયૂટ અને કેન્સરની બીમારી વાળા બાળકોને એમપી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતે વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે. સરકારી આંકડા પ્રમાણે હૃદય રોગ પછી કિડનીના બાળ દર્દીની સંખ્યા વધારે છે, ગુજરાતમાં કુલ 1268 બાળકો છે, વર્ષ 2018- 19 થી લઈને 2020-21 સુધીના આ આંકડા છે, ગુજરાતમાં કિડનીની બીમારી ધરાવતાં સૌથી વધુ બાળકો કચ્છ માંથી 117 અને અમદાવાદ માંથી 114 બાળકો તપાસ દરમિયાન મળી આવ્યા હતા.

આ ઉપરાંત ખેડા અને ભાવનગર જિલ્લા માંથી 81-81 બાળકો આ ગંભીર બીમારીમાં સપડાયા હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં કેન્સરના કુલ 771 દર્દી તપાસ દરમિયાન મળી આવ્યા હતા, જે પૈકી સૌથી વધુ અમદાવાદમાં 78, ભાવનગરમાં 63 અને સાબરકાંઠામાં 45 બાળકો મળી આવ્યા હતા. અમદાવાદમાં હ્રદય રોગની બીમારી ધરાવતાં 184 બાળકો તપાસ દરમિયાન મળી આવ્યા હતા. ગાંધીનગરમાં પ્રાથમિક શાળાના 113 બાળક હૃદય, 64 કિડની અને 16 બાળકો કેન્સર ગસ્ત જણાઈ આવ્યા હતા.

હૃદયની બીમારી વાળા બાળકો

  • આણંદ –            504
  • ભાવનગર –        449
  • ગીર-સોમનાથ –   26
  • પંચમહાલ –        268
  • બનાસકાંઠા –     208
  • સાબરકાઠા –     268
  • કચ્છ –            252
  • દાહોદ –          69
  • અમરેલી –        960
  • સુરેન્દ્રનગર –     237
  • ખેડા –            189
  • અમદાવાદ –     184

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.