Abtak Media Google News

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસનો મહત્વનો ચુકાદો સૌ પ્રથમ વખત વર્ચ્યુઅલ જાહેર થયો

એક સાથે 20 સ્થળે 21 ટાઇમર બોમ્બથી વિસ્ફોટ કરાયો હતો  56 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા: 200 ઘવાયા હતા

અમદાવાદમાં 14 વર્ષ પહેલાં એક સાથે 20 સ્થળે ત્રાસવાદી અને પ્રતિબંધીત સીમીના કાર્યકરો દ્વારા 21 જેટલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાની ચકચારી ઘટનાનો અમદાવાદમાં સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી પુરી થતા ન્યાયધીશ એ.આર.પટેલે વર્ચ્યુઅલ ચકાદો જાહેર કર્યો છે. 49 આંતકવાદીઓને દોષિત ઠેરવી કેટલી સજા તે અંગેનો ચુકાદો આવતીકાલે જાહેર કરવામાં આવશે જ્યારે 28 શખ્સોને પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો કરાયો છે.

ગત તા.26 જુલાઇ 2008ના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ, એલ.જી.હોસ્પિટલ, મણીનગર, ઠક્કરબાપાનગર, બાપુનગર, હાટકેશ્ર્વર સર્કલ, જવાહર ચોક, ખાડીયા, સરખેજ, રાયપુર, નારોલ, સારંગપુર, ઇશનપુર અને ગોવિંદવાડી સહિત 20 સ્થળે 21 જેટલા ટાઇમર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવતા 56 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને 200 જેટલા લોકો ઘવાયા હતા. બોમ્બ બ્લાસ્ટના પગલે અમદાવાદમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

બોમ્બ બ્લાસ્ટની ઘટનાની એટીએસ સહિત સમગ્ર રાજયની પોલીસ તપાસમાં જોડાઇ હતી. જેમાં કુલ 78 શખ્સો સામે અમદાવાદમાં 20 એફઆઇઆર અને સુરતમાં 15 એફઆઇઆર નોંધવામાં આવી હતી. બોમ્બ બ્લાસ્ટના કુલ 35 કેસમાં 9800 પેઇઝનું પ્રાથમિક તપાસ પુરી કરી ચાર્જશીટ તૈયાર કરાયું હતુ. ત્યાર બાદ કુલ 547 ચાર્જશીટ કોર્ટમાં રજુ કરાયું હતું. જેમાં 3,47,800 પેઇઝનું તોતીંગ તહોમતનામ તૈયાર કરાયુ હતું. 78 આરોપીઓ પૈકીના એક શખ્સ સાહેદ બન્યો હતો અને એક શખ્સનું ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે મુખ્ય સુત્રધાર યાસિન ભટકલ સામે અલગથી ટ્રાયલ ચલાવમાં આવશે

13 વર્ષની સુનાવણી દરમિયાન નવ જજ બદલાયા છે. આ કેસમાં ચાર સરકારી વકીલ બદલાયા છે. 1230 જેટલા સાહેદોને પડતા મુકવામાં આવ્યા છે. 1163 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી છે. 74 આરોપીઓના ફરી નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસમાં 6 હજારથી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા છે.

સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ડે ટુ ડે કેસની સુનાવણી ચલાવવાનો હુકમ કરતા કોરોનાની મહામારી સમય દરમિયાન પણ ડે ટુ ડે કાર્યવાહી કરવામાં આવી હતી. કેસની સુનાવણી પુરી થતા ભદ્ર વિસ્તારની સિટી સેશન્સ કોર્ટમાં મહત્વના કેસમાં સૌ પ્રથમ વખત વર્ચ્યુઅલ ચુકાદો જાહેર કરાયો છે. જેમાં જજ અંબાલાલ પટેલે બોમ્બ બ્લાસ્ટના 49 આંતકવાદીઓને દોર્ષિત જાહેર કરી તેને કેટલી સજા તે અંગેનો ચુકાદો આવતીકાલ સુધી મોકુફ રાખ્યો છે. અને 28 શખ્સોને પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો કર્યો છે.

અમદાવાદના 20 વિસ્તારમાં 21 બ્લાસ્ટ

આંતકવાદીઓ અને સીમીના કાર્યકરોએ અમદાવાદના સિવિલ હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, મણીનગર, જવાહર ચોક, હાટકેશ્ર્વર સર્કલ, રાયપુર, ખાડીયા, સરખેજ, ઇશનપુર, નારોલ, ગોવિંદવાડી અને સારંગપુર સહિત 20 સ્થળે 21 જેટલા ટાઇમર બોમ્બથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

બોમ્બ બ્લાસ્ટમાં 56 વ્યક્તિએ જીવ ગુમાવ્યા: 200 લોકો ઘાયલ

અમદાવાદમાં એક સાથે 20 સ્થળે ત્રાસવાદીઓએ ગત તા.26-7-2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરતા 56 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને 200થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કારણે જીવ ગુમાવનાર પરિવારને આજે ન્યાય મળશે

બોમ્બ બ્લાસ્ટ બાદ ચાર ત્રાસવાદી પાકિસ્તાન ગયા હતા

અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવાના માસ્ટર માઇન્ડ યાસિન ભટકલસ, રિયાઝ ભટકલ અને ઇકબાલ સહિત ચાર ત્રાસવાદીઓ બોમ્બ ધડાકા બાદ પાકિસ્તાન ભાગી ગયા હતા. જેમાં યાસિન ભટકલ કાશ્મીરમાં ઝડપાતા તેનો ગુજરાત એટીએસ દ્વારા કબ્જો લેવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ આઠ આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.