જૂની પેન્શન યોજના મુદ્દે વધુ 5 શૈક્ષણિક સંગઠનો પણ આંદોલનમાં જોડાશે

કર્મચારીઓના પડતર પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા ન હોવાથી કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશિંગુ ફુંકવામાં આવ્યું

રાજ્યમાં જૂની પેન્શન યોજના સહિતના કર્મચારીઓના પડતર પ્રશ્નોના મુદ્દે કર્મચારીઓ દ્વારા આંદોલનની જાહેરાત કરાયા બાદ વિવિધ પાંચ જેટલા શૈક્ષણિક સંગઠનોની બનેલી સંકલન સમિતિ દ્વારા પણ આંદોલનમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. સંકલન સમિતિ દ્વારા તમામ ઘટક સંઘોને આંદોલનમાં જોડાવવા માટે આદેશ કરતો પત્ર લખ્યો છે. જેમાં આંદોલનના કાર્યક્રમનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તે જોવા માટે તાકીદ કરી છે. આ આગઉ પ્રાથમિક શિક્ષક  સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા પણ આંદોલનને ટેકો આપવામાં આવ્યો હતો.  પ્રાપ્ત માહિતી અનુસાર, કર્મચારીઓના પડતર પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા ન હોવાથી કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશિંગુ ફુંકવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આપવામાં આવેલા આંદોલનના શૈક્ષણિક સંકલન સમિતિએ પણ જોડાવવાની જાહેરાત કરી છે. આ અંગે સંકલન સમિતિ દ્વારા તમામ ઘટક સંઘોને પત્ર દ્વારા આંદોલનમાં જોડાવવા માટે આદેશ કર્યો છે. સંકલન સમિતિમાં વિવિધ પાંચ જેટલા શૈક્ષણિક સંગઠનો સામેલ થયા છે.

જૂની પેન્શન યોજના સહિતના વિવિધ 15 જેટલા પડતર પ્રશ્નોના મુદ્દે આંદોલનની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સૌપ્રથમ 3 સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લા કક્ષાએ રેલી કાઢવામાં આવશે અને કલેક્ટરને આવદેનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ 11 સપ્ટેમ્બરના રોજ રાજ્યના ઝોન કક્ષાએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર અપાશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યના સમગ્ર કર્મચારીઓ માસ સી.એલ. પર જશે. 22 સપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેનડાઉન કરાશે અને 30 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવશે.

કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા આ આંદોલનના કાર્યક્રમમાં ગુજરા રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના તમામ પાંચ ઘટક સભ્યો જોડાવવાના છે. જેમાં અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, આચાર્ય સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને માધ્યમિક શિક્ષક સંઘનો સમાવેશ થાય છે. આ તમામ સંઘોને સંકલન સમિતિ દ્વારા આંદોલનમાં જોડાવવા માટે આદેશ કર્યો  છે.

નોંધનીય છે કે, કર્મચારીઓ દ્વારા આંદોલનની જાહેરાત કરી તે સાથે જ રાજ્યના સૌથી મોટા શૈક્ષણિક સંગઠન ગણાતા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલનમાં જોડાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ પણ જૂની પેન્શન યોજનાને લઈને ખુબ જ લાંબા સમયથી લડત ચલાવી રહ્યું હોવાથી તેઓ પણ આ આંદોલનમાં જોડાવવાના છે. હવે રાજ્યના બાકી રહેતા પાંચ જેટલા શૈક્ષણિક સંગઠનોની સંકલન સમિતિ દ્વારા પણ આંદોલનમાં જોડાવવાની જાહેરાત કરતા લગભગ સમગ્ર શૈક્ષણિક જગત આંદોલનમાં જોડાશે.