રૂ.૨ લાખ કરોડના ૫૦ મહત્વાકાંક્ષી પ્રોજેકટો PMOના સીધા નિયંત્રણમાં !!

૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આખુ વર્ષ વિકાસકામોની વણજાર જામશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન અને ચાર ધામ રોડ જોડાણ સહિતના ૫૦ પ્રોજેકટો વર્ષ ૨૦૨૨ સુધીમાં તાકીદે પૂર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સૂચનો

દેશમાં કાર્યરત રૂપિયા બે લાખ કરોડના અતિમહત્વકાંક્ષી એવા પચાસ પ્રોજેકટો પ્રાઈમ મીનીસ્ટર્સ ઓફીસ-પીએમઓએ સીધાનિયંત્રણમાં લઈ કડી નજર રાખી છે. વર્ષ ૨૦૨૨માં સ્વાતંત્ર્યતાના ૭૫ વર્ષ પૂર્ણથવાના છે. આ સમય મર્યાદા સુધીમાં ૫૦ પ્રોજેકટો પૂર્ણ થઈ જાય અને આ ઐતિહાસીક પળે રૂપીયા બે લાખ કરોડની દેશને ભેટ ધરી શકાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેકટોને સીધા દેખરેખ હેઠળ લીધા છે.

આ પચાસ પ્રોજેકટોમાં મુંબઈ-અમદાવાદ, બુલેટ ટ્રેન, ચારધામ રોડ જોડાણ, દિલ્હી-મેરઠ એકસપ્રેસવે, નવી દિલ્હી રેલવે સ્ટેશનને નવા વાઘા, મુંબઈમાં જેએનપીટી ટર્મનલ -૪, પૂણે મેટ્રો રેલ, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ ૧૨૦૦ કીમીનાં પારદિપ હૈદ્રાબાદ પ્રોડકટ પાઈપલાઈન જેવા પ્રોજેકટનો સમાવેશ છે. આ તમામ પ્રોજેકટોનું કામ ઝડપથી ગુણવત્તાસભર પૂરૂ કરવા સ્વયંમ પીએમઓ નજર રાખી રહ્યું છે. સંયુકત રીતે આ મેગા પ્રોજેકટને ‘પ્રગતિ’ નામ અપાયું છે. જેને લઈ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં સમયનો વેડફાટ ન કરી તાકીદેકામો પૂર્ણ કરવા આદેશ કરાયા હતા.

સરકારી અધિકારીઓનાં જણાવ્યા મુજબ ઘણા પ્રોજેકટોમાં અલગ અલગ કારણોસર વિલંબ થઈ રહ્યો છે. જેમાં મુખ્યકારણ જમીન ફાળવણી અને ગ્રીન કિલયરન્સ મળવામાં થતી દેરી છે. પરંતુ હવે આમાં પીએમઓએ ઝંપલાવતા પ્રક્રિયા વધુ ઝડપી અને સુગમ બનશે. આ અગાઉ પણ પીએમઓ તરફથી તમામ પ્રોજેકટ સંબંધીત મંત્રાલયો અને વિભાગો પાસેથી વિગતવાર માહિતી મંગાવાઈ હતી અને કામોની સમીક્ષા કરાઈ હતી.

૭૫માં સ્વતંત્રતા વર્ષ દરમિયાન મોદી સરકાર વિકાસના કામોની વણઝાર કરશે અને આ ૫૦ પ્રોજેકટોનું લોકર્પણ કરી દેશને ભેટ ધરશે.