Abtak Media Google News

વિજય દિવસ…

આજે સમગ્ર દેશ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. તે જ યુદ્ધ હતું જેના પરિણામે વિશ્વના નકશા પર બાંગ્લાદેશ નામના એક નવા રાષ્ટ્રનો ઉદભવ થયો. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધુ હતુ. ૧૯૭૧ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ

જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ ૯૩૦૦૦ સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું હતું.

તે સમયે બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ નહતું. પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. ૩ ડિસેમ્બર, ૧૯૭૦ના રોજ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ થઈ. પૂર્વ પાકિસ્તાનની રાજનીતિક પાર્ટી અવામી લિગે ૧૬૯માંથી ૧૬૭ બેઠકો જીતી અને આ રીતે ૩૧૩ સભ્યોવાળી પાકિસ્તાનની સંસદ મજલિસ એ શૂરામાં પણ બહુમત મેળવ્યું. અવામી લીગના નેતા શેખ મુજીબ ઉર રહેમાને સરાકર બનાવવા માટે રજુઆત કરી હતી જે પીપીપીના નેતા ઝુલ્ફિકાર અલી ભૂટ્ટોએ સ્વીકારી નહતી. યાહિયા ખાનેપૂર્વી પાકિસ્તાનમાં વિદ્રોહીઓને  કચડી નાખવા માટે પશ્ચિમ પાકિસ્તાનના પ્રમુખ સેનાપતિને આદેશ જારી કર્યાં. પાકિસ્તાની સેનાએ ૨૫ માર્ચ ૧૯૭૧ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાને તેને ઓપરેશન સર્ચ લાઈટ નામ આપ્યું. આ ઓપરેશનમાં પૂર્વ પાકિસ્તાનમાં ખુબ હિંસા થઈ. બાંગ્લાદેશ સરકારના જણાવ્યાં મુજબ આ દરમિયાન લગભગ ૩૦ લાખ લોકો માર્યા ગયાં.

પૂર્વ પાકિસ્તાનમાં હાહાકાર મચવા લાગ્યો. ત્યાંથી લોકો ભાગીને પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાલય અને ત્રિપુરામાં શરણ લેવા લાગ્યા હતાં. ૨૭ માર્ચ ૧૯૭૧ના રોજ પાકિસ્તાની સેનાના વિદ્રોહી સૈન્ય અધિકારી જીયા ઉર રહેમાને શેખ મુજબ ઉર રહેમાન તરફથી બાંગ્લાદેશની સ્વતંત્રતાની જાહેરાત કરી અને અનેક સૈનિકો આ બળવામાં સામેલ થઈ ગયાં. પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત ૧૬ ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડા આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારક ખાતે હાજર રહ્યા.

પાકિસ્તાને ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧ને ’ઓપરેશન ચંગેઝ ખાન’ નામ આપ્યું હતું. કાવતરાં હેઠળ ૩ ડિસેમ્બર ૧૯૭૧ની સાંજે ૫.૩૦ વાગે પાકિસ્તાન સરકારે ઈસ્લામાબાદથી પાકિસ્તાન વાયુસેનાને હુમલાના આદેશ આપ્યાં. આદેશ મળતા જ પાકિસ્તાનના ફાઈટર વિમાનોએ પહેલો હુમલો ૫.૪૫ વાગે અમૃતસર એરબેઝ પર કર્યો. ત્યારબાદ સાંજે ૫.૫૦ વાગે પઠાણકોટ, શ્રીનગર, અવંતીપુર પર હવાઈ હુમલા કર્યાં. આ હુમલાની બરાબર ૩ મિનિટ બાદ સાંજે ૫.૫૩ વાગે ફરીદકોટ પર  પાકિસ્તાની ફાઈટર વિમાનોએ બોમ્બ વરસાવવાના શરૂ કર્યાં. આ હુમલામાં પાકિસ્તાની સેના ભારતના ફક્ત પી-૩૫ રડારને જ નષ્ટ કરી શકી. ભારતીય નેવીની પશ્ચિમ કમાને ૪-૫ ડિસેમ્બર ૧૯૭૧ની રાતે કરાચી પોર્ટ પર હુમલો કર્યો. આ હુમલામાં પાકિસ્તાન નેવીના પીએનએસ ખાયબર અને પીએનએસ મુહાફિઝને જલમગ્ન કરીને પીએનએસ શાહજહાંને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કર્યું. આ દરમિયાન ૪ ડિસેમ્બરના રોજ આઈએનએસ વિક્રાંતમાં તહેનાત સી હોક ફાઈટર વિમાનોએ ચગાવ અને કોક્સ બજાર સહિત પૂર્વ પાકના અનેક દરિયાકાંઠાના નગરો અને કસ્બાઓ પર હુમલો કર્યો. આ હુમલાથી હચમચી ઉઠેલા પાકિસ્તાને બદલો લેવા માટે પીએનએસ ગાઝીને મોકલ્યું. જેનો વિશાખાપટ્ટનમ નજીક ભારતીય નેવીએ ખુડદો બોલાવી દીધો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ માત્ર ૧૩ દિવસ ચાલ્યું હતું. ૧૩ દિવસમાં પાકિસ્તાનની આખી સેનાએ ભારત સામે ઘૂંટણ ટેક્યા હતાં. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ પાકિસ્તાનના લેફ્ટેનન્ટ જરલ એએકે નિયાઝીએ પોતાના ૯૩૦૦૦ પાક સૈનિકો સાથે ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરા સામે શરણાગતિ સ્વીકારી હતી.

આ યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ વિશ્વના સૈન્ય ઇતિહાસમાં ઘણા રેકોર્ડ્સ નોંધાયા હતા. આ યુદ્ધ હારી ગયા પછી બીજા વિશ્વયુદ્ધ પછી પાકિસ્તાન સૌથી વધુ સૈનિકો સાથે શરણાગત કરનાર દેશ બન્યો. આ યુદ્ધ ૩ ડિસેમ્બર ૧૯૭૧ ના રોજ શરૂ થયું હતું અને આ લડાઇ ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ સુધી ચાલી હતી. સૈન્ય ઇતિહાસમાં આ યુદ્ધને ફોલ ઓફ ઢાકા કહેવામાં આવે છે.

બ્લેકઆઉટે તબાહી રોકી

પાકિસ્તાનના યુદ્ધ વિમાનો ભારતીય વિસ્તારો ઉપર બોમ્બમારો કરે તેવી દહેશત હતી દરમિયાન રાત્રે થનારા હુમલાને ખાળવા માટે કેટલાક વિસ્તારોમાં બ્લેક આઉટ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ રાત્રે વીજળી કાપી નાખવામાં આવતી હતી, આખું ગામ કે શહેર અંધારામાં ગરક થઈ ગયું હોય તેવો નજારો ઊભો થતો હતો. લોકોને બારી બારણા બંધ કરી અંદર રહેવા તાકીદ કરવામાં આવી હતી.

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની આંખમાં આંખ પરોવીને જામનગર ઉભુ રહ્યું

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની આંખમાં આંખ પરોવીને જામનગર ઉભુ હોવા છતાં એનો વાળ વાંકો થયો ન હતો. પાકિસ્તાને ૧૯૬૫ના યુદ્ધમાં જામનગર અને દ્વારકાને ધ્વસ્ત કરવાના કારસા કરી જ લીધા હતા, જે નાકામ રહ્યા હતા. ૧૯૭૧માં તો એરફોર્સ અને તંત્ર સાથે લોકોનું ટયૂનિંગ એવું સેટ થઈ ગયું હતું કે, પાકિસ્તાને ફરી પછડાટ ખાવી પડી હતી. જામનગર તો એની નજર સામે જ છાતી તાણીને ખડુ હતું. જો કે, ૧૯૬૫ના યુદ્ધમાંથી બોધપાઠ લઈને અહીંની બોર્ડર સતર્ક હતી, આખુ શહેર સાવચેત હતું. જામનગરના રહીશો પણ એટલા બધા એલર્ટ બની ગયા હતા કે, આ પ્લેન આપણું છે કે પાકિસ્તાનનું? એ એના અવાજ માત્ર પરથી જાણી જતા હતા. ૧૯૬૫માં થયું ત્યારે પણ પાકિસ્તાને દ્વારકા, ઓખા અને સિક્કામાં બોમ્બમારો કર્યો હતો. પાકિસ્તાને નેવીની મદદથી દ્વારકાના જગત મંદિરને ધ્વંસ કરવાનો કારસો ઘડ્યો અને દરિયામાંથી મંદિર પર બોમ્બ વરસાવ્યા હતા.

ઇન્દિરા ગાંધી અને જનરલ જમશેદજી માણેકશા

૩ ડિસેમ્બર ૧૯૭૧ની સાંજે ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કોલકાતામાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતાં. તેમનું સંબોધન ચાલુ જ હતું ત્યારે કેટલાક અધિકારીઓ ઝડપથી દોડીને ઈન્દિરા ગાંધી પાસે પહોંચ્યા. કોઈ કઈં સમજે તે પહેલા જ અધિકારીઓએ ઈન્દિરા ગાંધીને એક ચિઠ્ઠી પકડાવી અને કાનમાં કઈંક કહ્યું. અધિકારીઓના દરેક વાક્યની સાથે સાથે ઈન્દિરાના ચહેરા પર તણાવ વધતો જતો હતો જોકે, લોખંડી મહિલાએ  યુદ્ધના આદેશ આપ્યા હતા. પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દેનારા યુદ્ધમાં ભારતની જીતના મહાનાયક જનરલ માણેકશા હતા. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ૧૩ દિવસ માટે યુદ્ધ થયું અને ત્યારબાદ થયેલા શિમલા કરાર પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન અલગ થઈ ગયા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ યુદ્ધના મુખ્ય રણનીતિકાર હતા સૈમ હોરમુસજી ફ્રેમજી જમશેદજી માણેકશા. ભારતના ઈતિહાસનો ભાગ બનવામાં તેમને માત્ર ૧૩ દિવસ જ લાગ્યાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.