- સમુદ્રમાં 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર બિંદુ
ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ અનુભવાતો હોય છે ત્યારે આજે વહેલી સવારે ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેસી પ્રાંતમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 6:55 વાગ્યે (2255 GMT) સમુદ્રમાં 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો આ સાથે એજન્સીએ પુષ્ટિ આપી છે કે આ ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જેથી તાત્કાલિક કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નહોતી. ઇન્ડોનેશિયા સુનામી માટે સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ઇન્ડોનેશિયન હવામાન એજન્સી એ સ્પષ્ટતા કરી છે કે સુનામીનું કોઈ જોખમ નથી અને અત્યાર સુધી કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.
પેસિફિક “રિંગ ઓફ ફાયર” પર સ્થિત ઇન્ડોનેશિયામાં ટેક્ટોનિક પ્લેટની હિલચાલને કારણે થતી તીવ્ર ધરતીકંપીય પ્રવૃત્તિને કારણે વારંવાર ભૂકંપ આવે છે. આ ઉપરાંત સુલાવેસી પ્રદેશમાં ભૂતકાળમાં વિનાશક ભૂકંપ આવ્યા છે. જાન્યુઆરી 2021 માં, 6.2 ની તીવ્રતાના ભૂકંપમાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા. 2018 માં, પાલુમાં 7.5 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને સુનામીમાં 2,200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. ઇન્ડોનેશિયાના તાજેતરના ઇતિહાસમાં સૌથી ભયંકર ભૂકંપ 2004 માં આચેહમાં 9.1 ની તીવ્રતાનો ભૂકંપ હતો, જેણે સુનામીનું કારણ બન્યું હતું અને 170,000 થી વધુ લોકોનો ભોગ લીધો હતો.