રાજકોટ સહિત 6 મનપાના મેયર, ડે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ ?? આ તારીખે ફેંસલો

રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૧૮ વોર્ડની ૭૨ બેઠકોમાંથી ૬૮ બેઠકો જીતી ભાજપ ૨/૩થી પણ વધુ બહુમતિ સાથે ફરી સત્તારૂઢ થવા જઈ રહી છે. ત્યારે રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત બાર સદસ્યો કોણ હશે ?? તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. પરંતુ હવે શહેરીજનોની આતુરતાનો અંત ટૂંક સમયમાં જ આવી જશે. આગામી 11મી માર્ચ એટ્લે કે મહા શિવરાત્રિના દિવસે જ રાજકોટ મહાનગરપાલિકને તેમના સાશકો મળી જશે. રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, સુરત અને વડોદરા એમ તમામ મનપાને નવા મેયર આગામી સપ્તાહ સુધીમાં મળી જશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી બાદ ચુંટાયેલા કોર્પોરેટરોની પ્રથમ બેઠક 11મી માર્ચે મળવાની છે. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જનરલ બોર્ડ બોલવાયું છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કમિશનરએ રાજકોટ શહેરના કુલ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોની પ્રથમ બેઠક ગુરૂવારે સવારે ૧૧.૦૦ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે બેઠક બોલવાઈ છે. રાજકોટમાં સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન માટે દેવાંગભાઈ માંકડ, પુષ્કરભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પાંભર, નેહલ શુકલ, જયમીન ઠાકર અને મનીષ રાડીયાના નામોની ચર્ચા છે. જ્યારે ડે.મેયર પદ માટે ભાનુબેન બાબરીયા, ડો.દર્શનાબેન પંડ્યા, ડો. દર્શિતાબેન શાહ, નરેન્દ્રસિંહ જાડેજા અને વિનુભાઈ ધવાના નામો ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સ્થાનિક ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિના નામ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવતા હોય છે. ચૂંટણીપંચ દ્વારા ચૂંટાયેલા નગરસેવકોના નામ સરકારી ગેજેટમાં પ્રસિધ્ધ કરાયા બાદ તેની જાણકારી મ્યુનિ.કમિશનરને કરતા હોય છે. ત્યારબાદ કમિશનર મેયર અને ડે.મેયરની ચૂંટણી કરવા તથા સ્ટે.કમીટીના ૧૨ સભ્યોની નિમણૂંક કરવા પ્રથમ બોર્ડ બોલાવતા હોય છે.

આગામી સપ્તાહના અંત સુધીમાં મળશે નવા મેયર

  • અમદાવાદને મળશે 10 માર્ચે નવા મેયર
  • રાજકોટને મહાશિવરાત્રીના દિવસે 11 માર્ચે નવા મેયર મળશે
  • સુરતને 12 માર્ચે મળશે નવા મેયર
  • જામનગરને મળશે 12 માર્ચે નવા મેયર
  • ભાવનગરને મળશે 10 માર્ચે નવા મેયર
  • વડોદરાને નવા મેયર 10 થી 12 માર્ચ વચ્ચે મળશે
  • 10 માર્ચે અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠક
  • બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટર હાજર રહેશે
  • મેયર સહિતના પદાધિકારીઓની પણ થશે વરણી