ગરવા ગિરનારને સર કરવા દેશના 13 રાજ્યોના 638 સ્પર્ધકો લગાવશે દોટ

આવતા રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા, સિનિયર ભાઈમાં 309, જુનિયરમાં 131 તથા સિનિયર બહેનોમાં 112 અને જુનિયરમાં 86 બહેનોનું રજિસ્ટ્રેશન

ગરવા ગિરનારને સર કરવા માટે રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.5 મી ફેબ્રુઆરીએ યોજાશે. જેમાં દેશના 13 રાજ્યોના કુલ 638 જેટલા સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે દોડ લગાવશે.

ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ફેબ્રુઆરી-2023ના પ્રથમ અઠવાડીયા દરમિયાન જૂનાગઢ મુકામે ભારતભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.

આ સ્પર્ધામાં સ્પર્ધકો 14 થી 18 અને 19 થી 35 ની વય મર્યાદામાં સિનિયર-જુનિયર વિભાગમાં ભાગ લેશે. બન્ને વિભાગના ભાઈઓ માટેની આ સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના 5500 પગથીયા અને બન્ને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના 2200 પગથીયા ચઢીને ઉતરવાના રહેશે. ભાઈઓની સ્પર્ધાની સમય મર્યાદા 2-00 કલાક અને બહેનોની સ્પર્ધા માટે 1-30 કલાકની સમય મર્યાદા રહેશે. આ સ્પર્ધા નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર સ્પર્ધકોને જ પ્રમાણપત્રો આપવામાં આવશે.

પ્રથમ એક થી દસ ક્રમાંકના વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધા તા.5/2/2023ના રોજ વહેલી સવારે 7 કલાકે યોજાનાર છે. દેશભરમાંથી ભાગ લેનાર ખેલાડીઓની રાજ્યવાર સંખ્યા આ સ્પર્ધામાં ગુજરાત 180, મહારાષ્ટ્ર 22, દિવ 100, દમણ 1, હરીયાણા 75, રાજસ્થાન 20, ઉતરપ્રદેશ 29, મધ્યપ્રદેશ 23, બિહાર 168, ઝારખંડ 1, કર્ણાટક 3, જમ્મુ કશમીર 15, કેરલ 1, જેટલા સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં સિનિયર ભાઈઓ 309 , જુનિયર ભાઈઓ 131 , સિનિયર બહેનો 112 , જુનિયર બહેનો 86  વિભાગ વાઈઝ ભાગ લેનાર છે. આમ, ગિરનારને આંબવા ભારતભરના 13 રાજ્યના 638 સ્પર્ધકો દોડ લગાવશે.

સ્પર્ધાની લોકપ્રિયતા વધી 189 સ્પર્ધકો વધ્યા

ગત વર્ષે અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં કુલ 499 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં સિનિયર ભાઈઓ 149, સિનિયર બેહનો 80 તથા જુનિયર ભાઈઓ 95 અને જુનિયર બહેનો વિભાગમાં 80 બહેનોએ ભાગ લીધો હતો. તેની સામે આ વર્ષે કુલ 638 સ્પર્ધકો નોંધાયા છે. જેમાં સિનિયર ભાઈઓ 309, સિનિયર બહેનો 112, જ્યારે જુનિયર ભાઈઓ 131 અને જુનિયર બહેનો વિભાગમાં 86 બહેનોએ ભાગ લીધો છે. આમ ગત વર્ષની સરખામણીએ 189 સ્પર્ધકોનો વધારો થયો છે.