Abtak Media Google News

કોમન ફાઇનલ પ્લોટની જમીનના સરકાર અને સુચિત સોસાયટી બંનેમાં સર્વે નંબર બોલતા હોય છેલ્લા ર વર્ષથી અધ્ધરતાલ રહેલો પ્રશ્ન: આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ

રાજકોટમાં ૭ સૂચિત સોસાયટીઓના કોમન ફાઇનલ પ્લોટની જમીનના સરકાર અને સુચિત સોસાયટી બંનેમાં સર્વે નંબર બોલતા હોય છેલ્લા ર વર્ષથી અધ્ધરતાલ રહેલો આ પ્રશ્ન રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. જેથી આ મામલે કલેકટર તાબડતોબ ગાંધીનગર પહોંચ્યા છે.અને આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ મામલે મિટિંગ યોજવાના છે.

સરકારે બે વર્ષ પહેલા સુચિત સોસાયટીઓમાં વર્ષોથી ઉભા થઇ ગયેલા મકાનો-ફલેટના બાંધકામો રેગ્યુલાઇઝડ કરવા અંગે વટહુકમ જાહેર કરી કાર્યવાહી શરૂ કરી હતી.રાજકોટમાં કુલ ૧૪૭ સૂચિત સોસાયટીના બાંધકામોને સરકારે રેગ્યુલાઇઝડ અંગે મંજૂરી આપી હતી, પરંતુ ૭ સોસાયટીમાં કોમન ફાઇનલ પ્લોટ અંગે  વિવાદ જાગ્યો હતો. આ કોમન ફાઇનલ પ્લોટની જમીનમાં સરકાર અને સુચિત સોસાયટી બંનેના સર્વે નંબર બોલતા હોય, જમીન કોમન વિગેરે પ્રશ્નો ઉભા થયા હતા, બે વર્ષથી  આ પ્રશ્ન અધ્ધરતાલ રહ્યો છે, શહેરી જમીન વિકાસ ખાતુ આ બાબતે સુનાવણી કરી રહ્યું છે, પરંતુ કોઇ નિર્ણય લઇ શકાયો નથી.

દરમિયાન રાજકોટની આ ૭ સુચિત સોસાયટીનો કોમન ફાઇનલ પ્લોટનો પ્રશ્ન મુખ્યમંત્રી સુધી પહોંચતા રાજકોટ કલેકટરને આજે તાકીદની મીટીંગ માટે બોલાવાતા, કલેકટર રેમ્યા મોહન તમામ ફાઇલો, વિગતો, હાલની સ્થિતિ, કોમન ફાઇનલ પ્લોટમાં થયેલ બાંધકામ, ઉભા થઇ ગયેલા મકાનો સાથેનો રીપોર્ટ સાથે ગાંધીનગર દોડી ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ ૭ સોસાયટીમાં ત્રણ સોસાયટી મુખ્યમંત્રીના વિસ્તારમાં આવે છે, અને ૪ સોસાયટી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના વિસ્તારમાં આવે છે. આજે મીટીંગમાં ૭ સૂચિત સોસાયટીના કોમન ફાઇનલ પ્લોટ અંગે નિર્ણય આવી જશે અને છેલ્લા ૩ વર્ષથી અધ્ધરતાલ પ્રશ્નનો અંત આવી જશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.