- મ્યાવાડી વિસ્તારમાં સક્રિય સાયબર ગુના આચરવા દબાણ કરતી ગેંગ પર દરોડા પાડતી મ્યાનમાર બોર્ડર ગાર્ડ ફોર્સ
મ્યાનમારના સશસ્ત્ર દળો સાયબર કૌભાંડમાં ધકેલી દેવાયેલા 15 ગુજરાતીઓ સહીત કુલ 70 લોકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ તમામ લોકોને થાઇલેન્ડના સરહદી શહેર માએ સોટમાં ખસેડવામાં આવ્યા છે. થાઇલેન્ડમાં ભારતીય અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ લોકોને ભારત લાવવા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બચાવાયેલા વ્યક્તિઓમાંથી લગભગ 15 ગુજરાતના, 20 રાજસ્થાનના, પાંચ આંધ્રપ્રદેશના, બે તેલંગાણાના અને અન્ય પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને કર્ણાટકના છે.પીડિતોમાંથી પાંચ મહિલાઓ છે, જે મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની છે.
ઓનલાઈન કૌભાંડો માટેનું મુખ્ય કેન્દ્ર, કેકે પાર્ક, મ્યાનમારના બોર્ડર ગાર્ડ ફોર્સિસ (બીજીએફ) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમણે સાયબર ગુનાહિત પ્રવૃત્તિઓમાં દબાણ કરાયેલા વ્યક્તિઓને મુક્ત કર્યા હતા. આ મામલે તેલંગાણાના કરીમનગરના કે મધુકર રેડ્ડીએ જણાવ્યું હતું કે લગભગ 70 થી 80 ભારતીયો આગળની પ્રક્રિયા માટે બસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યા હતા.
અમે બેંગકોકમાં ભારતીય અધિકારીઓને વિનંતી કરી રહ્યા છીએ કે તેઓ અમને શક્ય તેટલી વહેલી તકે ભારત મોકલી આપે. રેડ્ડીએ કહ્યું હતું કે, મોબાઇલ સંપર્ક બંધ થાય તે પહેલાં તેલંગાણામાં તેમના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મેળવી હતી.
હૈદરાબાદના કાકુલુરુ સંતોષ, વિઝાગના મણિકંતા અને બોડાપતિ અશોક અને ગુજરાતના એમ.વી. પટેલ પણ તેમની સાથે હતા.
આ કાર્યવાહી ભારતીયો સહિત વિદેશી નાગરિકોને બળજબરીપૂર્વક સાયબર કૌભાંડ આચરવા દબાણ કરવામાં આવ્યાના અહેવાલોને પગલે કરવામાં આવી છે. ચીન દ્વારા સંચાલિત કૌભાંડ કેન્દ્રો સાથે કથિત રીતે હાથ ધરવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનો સામનો કરી રહેલી બીજીએફ આ દરોડામાં સામેલ હતી. અધિકારીઓને શંકા છે કે ચીની ગુના સિન્ડિકેટ વર્ષોથી આ સુવિધાઓ ચલાવી રહ્યા છે. કેટલાક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે ફરજ બજાવતા અમુક શંકાસ્પડોની પણ અટકાયત કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે મ્યાનમારના લશ્કરે આ પ્રદેશમાં આવા વધુ કૌભાંડ કેન્દ્રોને નિશાન બનાવવા માટે વધુ દરોડા પાડવાનો સંકેત આપ્યો છે.