મુંબઇમાં 1400 કરોડનું 700 કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

  • નાલા સોપારા ખાતેની દવા બનાવતી કંપનીમાંથી અનઅધિકૃત રીતે રાખેલા ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા
  • મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ડ્રગ્સ સેલને મળી મહત્વની સફળતા

સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. ત્યારે મુંબઇ પોલીસે પણ નાલા સોપારા ખાતેની દવા બનાવતી કંપનીમાંથી રૂા.1400 કરોડની કિંમતના 700 કરોડની કિંમતના એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયામાંથી કોસ્ટ ગાર્ડ, એટીએસ અને સ્થાનિક પોલીસ દ્વારા કરોડોની કિંમતના ચરસનો જંગી જથ્થો બીનવારસી મળી આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડ્રગ્સ અંગે સઘન કાર્યવાહી કરવા આપેલા આદેશના પગલે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ડ્રગ્સ સેલ દ્વારા પાલઘર જિલ્લાના નાલા સોપારા ખાતે આવેલી દવા બનાવતી કંપનીના યુનિટ પર દરોડો પડાયો હતો. દવાની કંપનીમાં અનઅધિકૃત રીતે રાખવામાં આવેલા રૂા.1400 કરોડની કિંમતનું 700 કિલો એમ.ડી.ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળી આવતા કંપનીના પાંચ જવાબદાર વ્યક્તિઓની ધરપકડ કરી આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કંઇ રીતે મેળવ્યું અને તેની સાથે અન્ય કોમ સંડોવાયું છે તે અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

નાલા સોપારા ખાતેની દવા બનાવતી ફેકટરીમાં પ્રતિબંધિત મેફેડ્રોનની દવા બનાવવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો છે. એન.ડી.પી.એસ. એકટ હેઠળ પાંચેય શખ્સો સામે ગુનો નોંધી કેટલા સમયથી પ્રતિબંધિત દવા બનાવવામાં આવી રહી છે અને તેનું કંઇ રીતે વેચાણ કરવામાં આવે છે તે અંગેના નેટવર્કને ભેદવા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.