Abtak Media Google News

9,93,428 લોકોના લક્ષ્યાંક સામે 8,78,774 લોકોને કોવિશિલ્ડ અને 75,595 લોકોને કો-વેક્સિન અપાઈ

કોરોનાને નાથવા માટે હાથવગુ હથિયાર એકમાત્ર વેક્સિનેશન જ છે. શહેરમાં ગત 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજ સુધીમાં વેક્સિનેશનની કામગીરી 74.55 ટકા સુધી પૂર્ણ થઈ જવા પામી છે. જો કે, હજુ 5,28,925 લોકો વેક્સિનના બીજા ડોઝની વાટ જોઈ રહ્યાં છે. 8,78,474 લોકોને કોવિશિલ્ડ અને 75,595 લોકોને કો-વેક્સિનની રસી મુકવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટે. કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં 18 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 9,93,428 લોકોને વેક્સિન આપી કોરોના સામે સુરક્ષીત કરવાનો કોર્પોરેશનનો લક્ષ્યાંક છે જેની સામે ગઈકાલ સુધીમાં 6,94,003 લોકોને કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે 1,84,474 લોકોને કોવિશિલ્ડના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

આ કોવિશિલ્ડ રસી લેનાર શહેરીજનોની સંખ્યાનો આંક 8,78,474 થવા પામે છે. જ્યારે 44,284 લોકોને કો-વેક્સિનનો પ્રથમ ડોઝ અને 31,312 લોકોને કો-વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. શહેરમાં કુલ 75,593 લોકોને કો-વેક્સિન આપી દેવામાં આવી છે કુલ 9,54,069 લોકોને અત્યાર સુધી વેક્સિન આપી દેવામાં આવી છે. શહેરમાં કુલ 74.55 ટકા વસ્તીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે 21.91 ટકા લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

કેટેગરીવાઈઝ જોવામાં આવે તો હેલ્થ વર્કરોમાં 17,475 લોકોએ પ્રથમ ડોઝ લીધો અને 15,378 લોકોએ બન્ને ડોઝ પ્રાપ્ત કરી લીધા છે. જ્યારે ફ્રન્ટ લાઈન વર્કરની વાત કરવામાં આવે તો 29736 લોકોએ પ્રથમ ડોઝ અને 19575 લોકોએ બંને ડોઝ લઈ લીધા છે. જ્યારે સીનીયર સીટીઝનોમાં 6,91,075 લોકોએ વેક્સિનનો પ્રથમ અને 1,80,830 લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

છેલ્લા 20 દિવસથી કોરોના વેક્સિનની અછત જોવા મળી રહી છે. જરૂરીયાત મુજબનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાના કારણે બપોરબાદ વેક્સિનેશનની કામગીરી મહદઅંશે બંધ રહે છે. આવામાં હાલ 5,22,925 લોકો કોરોનાની બીજી વેક્સિનની વાટ જોઈ રહ્યાં છે.

આજે પણ શહેરમાં અલગ અલગ 31 સાઈટ પર કોવિશિલ્ડ અને 2 સેશન સાઈટ પર કો-વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.