નર્મદાની 7700 કિ.મી. કેનાલનું કામ ઝડપથી થાય તો સાડા પાંચ લાખ હેક્ટર જમીન “નંદનવન” બની જશે

નર્મદા ડેમ પ્રોજેકટનું 92 ટકા કામ પૂર્ણ થયું હોવાનો અને વર્ષ 2019-20માં કેનાલ દ્વારા રાજ્યમાં 13.28 લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી પહોંચાડયાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત 

સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકારે છેવાડાના ગામડા સુધી નર્મદાના નીર પહોંચાડી પીવાના પાણીની સમસ્યાને રાજ્યવટો આપી દીધો છે, હવે જો કેનાલનું નેટવર્ક જેટ ગતિએ પૂર્ણ કરાય તો રાજ્યમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે 

ગુજરાતની જીવાદોરી એવી નર્મદા મૈયાના પાવન નીર સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામડા સુધી પહોંચાડી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે પીવાના પાણીની વિકટ સમસ્યા હતી તેને કાયમી માટે રાજ્યવટો આપી દીધો છે. જો આવાજ ઉત્સાહ સાથે નર્મદાની 7700 કિ.મી. કેનાલ નેટવર્કનું બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો રાજ્યની સાડા પાંચ લાખ હેકટર જમીન નંદનવનમાં પરિવર્તીત થઈ શકે તેમ છે અને રાજ્યમાં બીજી હરિયાળી ક્રાંતિ આવી શકે તેમ છે. જે રીતે પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકારે કામગીરી કરી છે તેવી જ કામગીરી હવે પછીના તબક્કામાં કેનાલ નેટવર્ક માટે કરવાની તાતી આવશ્યકતા છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયા બાદ હવે નર્મદા મૈયા આખા ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે પૂરી રીતે સક્ષમ બની ગયા છે. હવે માત્ર યોગ્ય આયોજનની આવશ્યકતા છે.

સરકાર સરોવર ડેમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. રાજ્યમાં હાલ એકપણ શહેર કે ગામ એવું નહીં હોય જેને નર્મદાના પાણી મળતા નહીં હોય. નર્મદા ડેમ પ્રોજેકટમાં લગભગ 7700 કિ.મી. કેનાલ નેટવર્કનું કામ અધુરું હોવાની કબુલાત રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નાની અને પેટા નહેરોનો સમાવેશ થાય છે. ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય રૂત્વીકભાઈ પટેલ દ્વારા એક પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો જેમાં તેઓએ નર્મદા ડેમ પ્રોજેકટના બાકી રહેલા કામો વિશે જાણવાની ઈચ્છા વ્યકત કરી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, નર્મદા કેનાલનું 62000 કિ.મી.નું કામ પૂર્ણ થઈ ગયું છે. કેનાલ નેટવર્ક નાખવા સહિતનું 92 ટકા કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે. જેમાં 62000 કિ.મી.ની કેનાલનો પણ સમાવેશ થાય છે. હવે ગૌણ અને નાના નહેરોવાળી 7700 કિ.મી. કેનાલ નેટવર્કનું કામ બાકી છે. મુખ્ય કેનાલ, શાખા કેનાલ અને પેટા કેનાલનું કામ લગભગ પૂર્ણ થયું છે. અન્ય સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં નર્મદા નહેરમાં પાણીનો ઉપયોગ કરી રાજ્યની 13.28 લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોજેકટ પૂર્ણ થયા બાદ કેનાલ નેટવર્કનો ઉપયોગ કરી 18.44 લાખ હેકટર જમીનમાં સિંચાઈની યોજના રાજ્ય સરકાર ધરાવે છે. નર્મદા કેનાલનું નેટવર્ક જીવાદોરી બની ગયું છે. કારણ કે ઘણા શહેરો, નગરો અને ગામોને પીવાનું પાણી અને મોટાભાગના સિંચાઈનું પણ આ નેટવર્ક થકી જ આપવામાં આવે છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર સત્તારૂઢ થયા બાદ માત્ર 17 દિવસમાં જ નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કામ સપ્ટેમ્બર 2017માં શરૂ કરવામાં આવ્યું હતું અને ગત વર્ષે કામ પૂર્ણ થયું છે.

નર્મદા મૈયા ગુજરાતની જીવાદોરી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરો, નાના ગામડાઓ હાલ સંપૂર્ણપણે નર્મદા મૈયા પર નિર્ભર છે. રાજ્ય સરકાર દ્વારા નર્મદા ડેમ પ્રોજેકટમાં 62000 કિ.મી. કેનાલનું કામ પૂર્ણ કરી રાજ્યની 13.28 લાખ હેકટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે પરંતુ બાકી રહેતું 7700 કિ.મી. કેનાલ નેટવર્કનું કામ જો ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો ખરેખર રાજ્યની વધુ સાડા પાંચ લાખ હેકટર જમીન નંદનવનમાં પરિવર્તીત થઈ શકે તેમ છે. નર્મદાના નીર પારસમણી બની ખેતરોમાં સોનુ ઉગાડવા માટે પણ સક્ષમ છે અને રાજ્યના ખેડૂતમાં પણ સુકાભઠ્ઠ ખેતરોને નંદનવન બનાવવાની તાકાત રહેલી છે.