Abtak Media Google News

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણથી બચવા માટે રશિયામાં વિકસિત વેક્સિન સ્પુતનિર-વી (Sputnik-V)ને ભારતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવશે. દેશમાં એક વર્ષની અંદર આ વેક્સિનની 8.5 કરોડથી વધુ ડોઝ તૈયાર કરવામાં આવશે. જેના માટે ભારતની 6 કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. આ માહિતી રશિયન ડાયરેક્ટ ઈનવેસ્ટેમેન્ટ ફેન્ડ (Russian Direct Investment Fund (RDIF)એ આપી છે. RDIF રશિયાની સરકાર દ્વારા સ્થાપિત વેલ્થ ફન્ડ છે. ભારત પહેલા જે 59 દેશોમાં રશિયાની આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચુકી છે. તેમાં આર્જેન્ટિના, બોલિવિયા, હંગેરી, યુએઈ, મેક્સિકો, પાકિસ્તાન, બહેરિન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

સ્પુતનિક-વી ખૂબ અસરકારક રસી: RDIF

RDIFનો દાવો છે કે,સ્પુતનિક-વી એ એક ખૂબ અસરકારક વેક્સિન છે અને હજી સુધી કોઈ ગંભીર આડઅસર અથવા સ્ટ્રોન્ગ એલર્જી સામે આવી નથી. RDIF અનુસાર, રશિયન વેક્સિનની અસર લાંબા સમય સુધી રહે છે, કારણ કે બંને ડોઝમાં બે જુદા જુદા વેક્ટર અથવા સક્રિય તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

10 ડોલરથી પણ ઓછી હશે એક ડોઝની કિંમત

સ્પુતનિક-વીની એક ડોઝની કિંમત 10 ડોલરથી પણ ઓછી રાખવામાં આવે તેવી અપેક્ષા છે. સ્પુતનિક-વી એ ભારતમાં ઉપયોગમાં લેવાતી ત્રીજી કોરોના વેક્સિન હશે. DCGIએ અગાઉ COVID-19 ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડની બે રસીઓને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ભારતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના નિર્માણ પુના સ્થિત કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)દ્વારા બનાવવામાં આવી રહી છે.

ભારતમાં પણ પરીક્ષણ બાદ મંજૂરી આપવામાં આવી

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)એ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન પ્રક્રિયાના ભાગ રૂપે સ્પુતનિક-વીને મંજૂરી આપી છે. રશિયામાં હાથ ધરવામાં આવેલા ટ્રાયલના પરિણામો અને ભારતમાં હાથ ધરાયેલી વધારાની સુનાવણીના ત્રીજા તબક્કાના સકારાત્મક પરિણામો બાદ આ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં સ્પુતનિક-વી પરીક્ષણો ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝના સહયોગથી હાથ ધરવામાં આવ્યા છે.

ભારતમાં સ્પુતનિક-વીના ઉત્પાદન માટે 6 કંપનીઓએ હસ્તાક્ષર કર્યા: RDIF

RDIF અનુસાર, ભારતમાં સ્પુતનિક-વીના ઉત્પાદન માટે માટે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઓ ઉપરાંત, ગ્લેંડ ફાર્મા (Gland Pharma),હેટોરો બાયોફર્મા(Hetero Biopharma), પેનેસિયા બાયોટેક(Panacea Biotec), સ્ટેલિસ બાયોફર્મા(Stelis Biopharma) અને વિરર્ચોવ બાયોટેક(Virchow Biotech) સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ તમામ કંપનીઓ મળીને દર વર્ષે ભારતમાં રસીના કુલ 85 કરોડ ડોઝનું ઉત્પાદન કરશે, જેનો ઉપયોગ ભારતમાં રસીકરણ અને વિશ્વના બાકીના ભાગોમાં સપ્લાય માટે કરવામાં આવશે.

વિશ્વની 40 ટકા વસ્તી માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

અત્યાર સુધીમાં રશિયાની વેક્સિન વિશ્વના દેશોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, જેની જનસંખ્યા લગભગ 3 અરબ છે, જે વિશ્વની કુલ વસ્તીના 40 ટકા જેટલી છે. RDIFને આશા છે કે,ભારત સ્પુતનિક-વી ના વૈશ્વિક ઉત્પાદનમાં મુખ્ય કેન્દ્ર બનશે. RDIFના સીઇઓ કિરીલ દિમિત્રેવે જણાવ્યું હતું કે, રશિયન વેક્સિનની અસરકારકતા 91.6 ટકા છે અને તે કોવિડ-19 સંક્રમણ ખતરનાક સ્વરૂપથી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે કહ્યું હતું કે, સ્પુતનિક વિશેની આ બાબતો ડેટાના આધારે વિશ્વ વિખ્યાત તબીબી સંશોધન જર્નલ લેન્સેટમાં પણ પ્રકાશિત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.