• દેહગામના સોગઠી ગામે કોણ કોને છાનું રાખે તેવી કરુણ પરિસ્થિતિ
  • 10 યુવકો ડૂબ્યા બાદ આઠના મૃતદેહ મળી આવ્યા : પરિજનોના આક્રંદથી નદીકાંઠો ગમગીન

દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે પણ ગાંધીનગરના દેહગામમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વાસણા સોગઠી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા જતાં 10 યુવકો ડૂબ્યા હતા. જે પૈકી 8 યુવાનોના મૃતદેહ મળી આવતા નદીકાંઠો પરિજનોના આક્રંદથી ગમગીન બન્યો હતો. 8 પૈકી 7 મૃતકો એક જ ગામના હોવાથી સોગઠી ગામમાં કોણ કોને છાનું રાખે તેવી કરુણ પરિસ્થિતિ સર્જાઈ છે.

દેશભરમાં હર્ષોલ્લાસથી ગણેશમહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે આવેલા વાસણા સોગઠી ગામે ગઈ કાલે કરુણાંતિકા ઘટી હતી. ગામના લોકો ગણપતિદાદાની મૂર્તિનું મેશ્વો નદીમાં વિસર્જન કરે એ પહેલાં ગામના 10 યુવાનો નદીમાં નહાવા પડ્યા હતા, જેમાંથી આઠ યુવાનો ડૂબી જતાં તેમના મૃત્યુ થવાથી આખું ગામ શોકમગ્ન બન્યું હતું. આ અત્યંત દુખદ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ નદીકિનારે દોડી આવ્યા હતા. ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ ડૂબી ગયેલા બાકીના બે યુવાનને શોધવા માટે મોડી સાંજ સુધી નદીમાં શોધખોળ હાથ ધરી હતી.

વાસણા સોગઠી ગામે ગણપતિમહોત્સવનું આયોજન થયું હતું અને ગઈકાલે ગણેશજીની મૂર્તિનું ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં વિસર્જન કરવાનું હતું. જોકે નદીમાં મૂર્તિનું વિસર્જન થાય એ પહેલાં ગામના 10 યુવાનો નદીમાં નહાવા પડ્યા હતા અને જોતજોતામાં તેઓ ડૂબવા લાગ્યા હતા. આ દરમ્યાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા નદીએ પહોંચેલા ગામજનોને યુવાનો ડૂબ્યા હોવાની જાણ થતાં તરત જ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના લોકો પણ નદીકિનારે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ અને ફાયર-બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર-બ્રિગેડના જવાનોએ સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને નદીમાં ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ડૂબી ગયેલા આઠ યુવાનોના મૃતદેહ હાથ લાગ્યા હતા અને બે યુવાનોની શોધખોળ મોડી સાંજ સુધી ચાલુ હતી.

નદીમાં ડૂબેલા યુવાનોના એક પછી એક આઠ મૃતદેહ બહાર કાઢતાં સ્વજનોના આક્રંદથી નદીકાંઠો ગમગીન બન્યો હતો અને કોણ કોને છાનું રાખે એવી કરુણ સ્થિતિ સર્જાઈ હતી. નદીકાંઠે સ્વજનોના રુદનથી વાતાવરણ શોકમય બની ગયું હતું. મૃતકોની યાદીમાં સોલંકી વિજય, ચૌહાણ ચિરાગ, ચૌહાણ ધર્મેન્દ્રસિંહ, ચૌહાણ મુન્નાભાઈ, ચૌહાણ રાજુકુમાર, ચૌહાણ પ્રવીણ , ચૌહાણ યુવરાજસિંહ, ચૌહાણ સિદ્ધરાજનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો પૈકી 7 યુવકો સોગઠી ગામના વતની હતા. ત્યારે એક જ ગામમાંથી 7 આશાસ્પદ યુવાનોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું છે.

જામનગરની અલગ અલગ બે દુર્ઘટનામાં બે યુવાનોના ડૂબી જવાથી મોત

ગણેશ વિસર્જન દરમિયાન જામનગર જિલ્લામાં પણ બે અલગ અલગ દુર્ઘટના બનવા પામી છે. જે ઘટનાઓમાં બે યુવાનોના મોત નીપજ્યા છે. જામનગર તાલુકાના દોઢીયા ગામમાં આવેલી નદીમાં ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરતી વેળાએ એક યુવાન નદીના પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મૃત્યુ નીપજયું હતું. જામનગરમાં ખડખડનગર વિસ્તારમાં રહેતો અને બાંધકામની મજૂરી કરતો જયેન્દ્રભાઈ ભાણજીભાઈ કટારીયા નામનો 30 વર્ષનો યુવાન તેમજ અન્ય આસપાસના રહેવાસીઓ ગઈકાલે ભગવાન ગણેશજીની મૂર્તિ ને વિસર્જિત કરવા માટે જામનગર તાલુકાના લોઠીયા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરની પાસેની નદીમાં ગયા હતા. નદીના પાણીમાં પ્રતિમા વિસર્જિત કરવા માટે ઉતરતાં પાણી ઊંડું હોવાના કારણે જયેન્દ્ર કટારીયા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જયારે જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા અજયસિંહ વનરાજસિંહ જાડેજા નામના 25 વર્ષીય યુવાન મોડા ગામની નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરતી વેળાએ અકસ્માતે નદીના પાણીમાં ડૂબ્યો હતો. જે યુવાનને પાણીમાંથી બહાર કાઢીને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

દહેગામ કરુણાંતિકામાં મૃત્યુ પામનારાઓને વડાપ્રધાનના શ્રદ્ધા સુમન

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેહગામ મા નદીમાં ડૂબી જવાથી આઠ યુવાનોના મૃત્યુ ની કરુણાતીકા અંગે ઊંડા દુ:ખની લાગણી વ્યકત કરી મૂર્તકોને શ્રદ્ધા સુમન આપ્યા હતા. આજે શનિવારે વહેલી સવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાન મૃત્યુ પામનાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન પછી નદીમાં સ્નાન કરતી વખતે  આઠ લોકો ડૂબી ગયા હતા,  વડાપ્રધાને  દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે ” દહેગામ તાલુકામાં ડૂબવાની ઘટનામાં જાનહાનિના સમાચારથી ખૂબ જ દુ:ખ થયું. આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.” દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના રહેવાસીઓ યુવાનોના આકસ્મિક મૃત્યુની આ આ ઘટના અંગે  સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બી.બી. મોડિયાએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના ગામની નજીક બની હતી. વડાપ્રધાન ની સાથે ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી પરિવારજનોને દિલ સોજી સાથે  અવસાન પામેલ યુવાનોને શ્રદ્ધા સુમન પાઠવ્યા  હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.