Abtak Media Google News

ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ, પીપીપી આવાસ યોજના અને હાઇડ્રોલિક પ્લેટફોર્મનું લોકાર્પણ જ્યારે બગીચા, પાઇપલાઇન અને એઇમ્સના રસ્તા પર બનનારા માઇનોર બ્રિજના કામનું ખાતમુહુર્ત કરશે: 5 મંત્રીઓ પણ રહેશે ઉ5સ્થિત

 

અબતક, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના રૂા.82.49 કરોડના વિકાસ કામોનું આગામી શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ તથા ખાત મુહુર્ત કરવામાં આવશે.

મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનીટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન અતુલભાઈ પંડીત, હાઉસીંગ કમિટીના ચેરમેન વર્ષાબેન રાણપરા, વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ, અગ્નિ શામકદળ કમિટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ગાર્ડન સમીતીના ચેરમેન અનીતાબેન ગોસ્વામી અને બાંધકામ કમિટીના ચેરમેન કેતનભાઈ પટેલએ જણાવ્યું હતું કે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે મહાપાલિકા દ્વારા તા.31ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રૂ. 82.49 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરવામાં આવશે.

આ પ્રસંગે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ્ય વિકાસ ભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા ઉપસ્થિત રહેશે.

રૂ. 1.35 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, વોર્ડ નં. 18 માં રૂ.3.01 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડ નં. 13 માં રૂ. 2.31 કરોડના ખર્ચે શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં. 69 નુ નવું બિલ્ડીંગ, રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસોનું તથા રૂ. 20.12 કરોડના ખર્ચે 81 મિ. હાઈડ્રોલિક પ્લેટફોર્મનુ લોકાર્પણ તેમજ વોર્ડ નં.11 માં  રૂ. 0.33 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બગીચાનું, રૂ. 43.03 કરોડના ખર્ચે ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન સુધી 1200 વ્યાસની એમ.એસ. પાઈપલાઈન તથા વોર્ડ નં. 3 માં રૂ. 5.07 કરોડના ખર્ચે એઈમ્સ રસ્તા પર માઈનોર બ્રિજનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

આમ, આ કાર્યક્રમમાં રૂ. 33.79 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂ. 48.70 કરોડના વિકાસ કામોના ખાતમુહુર્ત થનાર છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.