Abtak Media Google News

ડ્રગ્સના દુષણને નાથવા સરકાર મક્કમ

પોલીસ સહિતના વિભાગોની કામગીરીને બિરદાવતા ગૃહ રાજય મંત્રી હર્ષ  સંઘવી

ગુજરાતમાંથી ડ્રગ્સના દુષણને ઉગતું જ ડામી દેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામે મક્કમતાથી આરપારની લડાઈ લડવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન જ નહિ, જંગ છેડી દીધી છે. છેલ્લા એક અઠવાડીયામાં એટલે કે 1લી ઓગષ્ટથી 7મી ઓગષ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 સ્થળે દરોડા પાડીને રૂ.836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી 14 આરોપીઓ સામે નાર્કોટીક્સના ગુના દાખલ કર્યા છે.

એક અઠવાડીયામાંઅલગ-અલગ સ્થળોએ ગુજરાત પોલીસની વિવિધ ટીમોએ પાડેલા દરોડામાં પકડાયેલા ડ્રગ્સમાં ચરસ, ગાંજો, લિક્વીડ મેફેડ્રોન (એમ.ડી) અને ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટનો સમાવેશ થાય છે. જેમાં એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (એ.ટી.એસ) દ્વારા બે અલગ અલગ દરોડામાં રૂ.831 કરોડથી વધુ કિંમતના ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટ(1410 લીટર) તથા લિક્વીડ મેફેડ્રોન(એમ.ડી)ના 793.232 કિલોના જથ્થા સાથે સાત આરોપીઓને પકડી આ ડ્રગ્સના આકાઓ સુધી પહોંચવા ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન શરૂ કર્યુ છે. તે ઉપરાંત અમદાવાદ શહેર, પશ્ચિમ કચ્છ, નવસારી, પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અને સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા રૂ.2.38 લાખના ગાંજાના 25.632 કિલો મુદ્દામાલ સાથે 7 આરોપીઓને પકડી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ પોરબંદર અને ગીર સોમનાથ ખાતેથી પોલીસ દ્વારા રૂ.5.32 કરોડથી વધુ કિંમતના 12.041 કિલો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. નાર્કોટેરેરીઝમને પ્રોત્સાહન આપી ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા અનેક પ્રયાસ કરી રહ્યા છે. ઓછી મહેનત અને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવી આપતા કેફી દ્રવ્યના આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસ સુપર એક્ટીવ છે. જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી પણ ગુજરાતમાં અમલમાં મુકવામાં આવી છે.

ડ્રગ્સ સામેની આ લડાઈ દાનવ સામે માનવની લડાઈ છે ત્યારે, આ લડાઇમાં સંતો-મહંતો, નેતાઓ-અભિનેતાઓ, સામાજિક અગ્રણીઓ, ઇનફ્લ્યુએન્સર મિત્રો સહિત તમામ જાગૃત નાગરિકો ‘એક પરિવાર’ બનીને ગુજરાતના યુવાનોને આ કેફી દ્રવ્યોની ચુંગાલથી દૂર રાખવા સહયોગ આપે તેવી અપીલ મંત્રી હર્ષ સંઘવીએ કરી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.