Abtak Media Google News

અઢી વર્ષ વિવાદ વિનાના અને વિકાસશીલ રહ્યાંનો આનંદ: ઉદય કાનગડ

વર્તમાન બોડીની અંતિમ સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ચેરમેન વરસ્યા: 3 અરજન્ટ બિઝનેશ સહિત 54 પૈકી 53 દરખાસ્તો મંજૂર: 19.91 કરોડના વિકાસ કામોને મંજૂરી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન ઉદયભાઈ કાનગડની અધ્યક્ષતામાં વર્તમાન બોડીની સ્ટેન્ડિંગ કમીટીની અંતિમ બેઠક મળી હતી. જેમાં 3 અરજન્ટ બિઝનેશ સહિત કુલ 54 દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. 54 પૈકી 53 દરખાસ્તોને બહાલી આપી ખડી સમીતી દ્વારા રૂા.19.91 કરોડના વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. ચેરમેન તરીકેનો અઢી વર્ષનો કાર્યકાળ વિવાદ વિનાનો અને વિકાસશીલ રહ્યાંનો સંતોષ ઉદયભાઈ કાનગડે વ્યકત કર્યો હતો.

અંતિમ સ્ટેન્ડિંગ કમીટીની બેઠક પૂર્ણ થયા બાદ પત્રકારોને માહિતી આપતા ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં 51 નિયમીત ઉપરાંત 3 અરજન્ટ બિઝનેશ દરખાસ્ત સાથે કુલ 54 દરખાસ્તો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી હતી. જે પૈકી શહેરના વોર્ડ નં.15માં નેશનલ હાઈવે પર આવેલા મિરા ઉદ્યોગનગર શેરી નં.8માં સીસી રોડ બનાવવા માટે રૂા.45 લાખનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. કારણ કે, અહીં ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક બિછાવવાનું બાકી છે. આ ઉપરાંત 4-5 શેરીઓ પૈકી એક જ શેરીમાં સીસી રોડના કામની દરખાસ્ત આવી હતી. ડીઆઈ પાઈપ લાઈનના કામ માટે રોડ ફરી ખોદવાની જરૂરીયાત ઉભી થાય છે આવામાં હાલ સીસી રોડનું કામ યોગ્ય ન જણાતા દરખાસ્તને નામંજૂર કરાઈ હતી. જ્યારે અન્ય 53 દરખાસ્તોને બહાલી આપી રૂા.19.91 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

તેઓએ ઉમેર્યું હતું કે, શહેરના સામાકાંઠા વિસ્તારમાં પારેવડી ચોકમાં વર્ષોથી રોડ પર જ ફૂલ બજાર ભરાય છે. તાજેતરમાં વોર્ડ નં.7માં રામનાથપરા ઈન્દિરા બ્રિજ પાસે કોર્પોરેશનના ઢોર ડબ્બાનો પ્લોટ ખાલી પડ્યો છે. જેને સમથળ કરી ઉપર પતરા નાખી ફૂલ બજાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે રૂા.44.15 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. ફૂલ બજારમાં કુલ 86 થડાઓમાં બનાવવામાં આવશે. થડાની ફાળવણી અને તેનું ભાડુ નક્કી કરવા માટે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી વિતરણ માટે હાલ ડીઆઈ પાઈપ લાઈનનું નેટવર્ક બીછાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત શહેરના વોર્ડ નં.4માં નિર્માણાધીન સ્માર્ટ ઘર આવાસ યોજનામાં નળ કનેકશન આપવા ડીઆઈ પાઈપ લાઈન નાખવા રૂા.24.28 લાખ, વોર્ડ નં.4માં ગણેશ પાર્ક તથા તેને લાગુ વિસ્તારોમાં ડીઆઈ પાઈપ લાઈન નેટવર્ક બિછાવવા રૂા.95.67 લાખ, ક્રિષ્ના સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં ડીઆઈ પાઈપ લાઈન માટે રૂા.83.97 લાખ, જ્યારે માલીયાસણ ઓવરબ્રીજ પાસેના વિસ્તારોમાં ડીઆઈ પાઈપ લાઈન નાખવા રૂા.1.28 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. મહાપાલિકાની સામાન્ય વહીવટ વિભાગ હેઠળના આયોજન સેલમાં રીસર્ચ એનાલીસ્ટ અને આંકડા મદદનીશની 1-1 સહિત કુલ 2 જગ્યા કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવાનું દરખાસ્તમાં સુધારો કરવામાં આવ્યો છે. આ બે જગ્યાને કાયમી કરવાના બદલે સ્ટાફની મુદતમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. વોર્ડ નં.14માં લલુડી વોકળી તથા જીન પ્રેસ તરફ જવાના રસ્તા પર નાલુ પહોળુ કરી નવું બનાવવા રૂા.85.44 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

આજે વર્તમાન બોડીની અંતિમ સ્ટેન્ડિંગ કમીટીની બેઠક હતી. આગામી દિવસોમાં મહાપાલિકામાં ગમે ત્યારે વહીવટદારની નિમણૂંક કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી હોય. વિકાસ કામો ન અટકે તે માટે મ્યુનિ.કમિશનર દ્વારા 3 અરજન્ટ બિઝનેશ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે ત્રણેયને સ્ટેન્ડિંગ કમીટીએ મંજૂરીની મહોર મારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.