10 દિવસમાં કોરોનાના 9 કેસ: જરૂર પડશે તો ફરી સ્ક્રિનિંગ-ટેસ્ટીંગ શરૂ કરાશે

શહેરમાં એક્ટિવ કેસનો આંક 10 થયો, તમામ દર્દીઓની હાલાત સ્થિર

રાજ્યભરમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન રાજકોટમાં નવા નવ કેસ નોંધાયા છે. એકપણ દર્દી ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતો નથી અને વેક્સિનના તમામ ડોઝ લઇ ચૂક્યો છે. જો કે, તમામ હાલ ચિંતા મુક્ત છે અને હોમ આઇસોલેશન હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો જરૂર જણાશે તો શહેરમાં ફરી સ્ક્રિનિંગ અને ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માર્ચ માસના પ્રથમ 13 દિવસમાં શહેરમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે. જેમાં પ્રથમ ચાર દિવસ સુધી એકપણ કેસ નોંધાયો ન હતો. 5મી માર્ચે એક, 6ઠ્ઠી માર્ચે એક, 7મી માર્ચે એક, 8મી માર્ચે એક અને 9 અને 10 માર્ચે બબ્બે કેસ નોંધાયા હતાં. 11મી માર્ચે એકપણ નવો કેસ નોંધાયો ન હતો અને ગઇકાલે રવિવારે એક કેસ નોંધાયો છે. જેમાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેડ કોરોનાના સંકજામાં સપડાયા છે. તેઓ કોઇ જ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા નથી અને વેક્સિનના તમામ ડોઝ લઇ ચૂક્યા છે. શહેરમાં કોરોનાનો સંક્રમણ દિન-પ્રતિદિન સતત વધી રહ્યું છે. જો કે, લક્ષણો સામાન્ય હોવાના કારણે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી થતી નથી.

હાલ શહેરમાં કુલ 10 કેસ એક્ટિવ છે. જે પૈકી એક દર્દીનો ક્વોરોન્ટાઇન પિરિયડ આજે પૂર્ણ થઇ રહ્યો હોય તેને આજે કોરોનામુક્ત જાહેર કરી દેવામાં આવશે.

છેલ્લા એક સપ્તાહમાં એક દિવસને બાદ કરતા શહેરમાં કોરોનાના કેસ સતત નોંધાયા છે. આવામાં જો આગામી દિવસોમાં જરૂરીયાત જણાશે તો ફરી એરપોર્ટ, બસ પોર્ટ કે રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગ બૂથ શરૂ કરવામાં આવશે અનેrRajk લોકોનું સ્ક્રિનિંગ પણ કરાશે. હાલ સ્થિતિ ચિંતાજનક નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ટેસ્ટીંગનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે.