Abtak Media Google News

ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મેઇન્ટનન્સ, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ 

મોરબીનો ઓળખ સમો ઝૂલતો પુલ તૂટી પડતા રાતથી આજ સુધી ચાલતા રેસ્ક્યુ ઓપરેશનમાં એક પછી હજુ લાશ નીકળતી મોતનો આંકડો મોટો થાય તેવી ભીતિ છે. બીજી તરફ સરકાર આ ઘટનાની તપાસ માટે સીટ ટીમની રચના કર્યા બાદ આ ગંભીર દુર્ઘટના અંગે ગતરાત્રીના ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ 9 જેટલા લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ હાથ ધરાઈ રહી છે.

ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમા  ઝૂલતોપુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી અને તપાસમાં ખુલે તે તમામ લોકો સામે આઇપીસી કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબી ખાતે મચ્છુ નદિ પર આવેલ ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર પુલ તુટી પડતા અનેક લોકોના મોત થયા હોય આ બ્રીજનુ સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિત, એજન્સીઓએ આ બ્રીજનુ યોગ્ય રીતે સમારકામ, મેન્ટેનન્સ તથા કવોલીટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહી કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ દુર્ઘટના બની હોવાની ફરિયાદ નોંધાયા બાદ હાલ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે 9 જેટલા લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને ઉલટ તપાસ હાથ ધરી છે. જો કે આ 9 લોકો એન્જસીના જવાબદાર છે કે કેમ તેમજ આ ઘટનામાં તેની કેવી ભૂમિકા છે તેની સંપૂર્ણ તપાસ બાદ ચોક્કસ વિગતો જાહેર કરશે એવું પોલીસે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.