Abtak Media Google News

રાજય સરકારે પૂરતો ગેસ હોવા છતા રૂપીયા ૯૦૬૪.૪૩ કરોડની કિંમતની વીજળી એક યુનિટના રૂ.૨.૮૫ ના સરેરાશ દરે ખાનગી કંપનીઓ પાસેથી વર્ષ ૨૦૧૬માં ખરીદી હતી જયારે વર્ષ ૨૦૧૫માં સરકારે ૩૧૯૯૭ મીલીયન યુનીટ વીજળી ખાનગી ક્ષેત્રના પાંચ પાવર પ્લાન્ટ પાસેથી ખરીદી હતી ૧૧ પાવર પ્લાન્ટ ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કંપની દ્વારા ચલાવાય છે. જેમાં વર્ષ ૨૦૧૫માં ૧૭૪૧૩ મીલીયન યુનિટ અને વર્ષ ૨૦૧૬માં ૧૫૧૬૨ મીલીયન યુંનીટ વીજળી પેદા થઈ હતી. ગુજરાત ઊર્જા વિકાસ નિકલ લિ. (GUVNL)એ આઠ ગેસ આધારિત વીજ પ્લાન્ટ્સ સાથે ૨૫ વર્ષના વીજ ખરીદ માટેના કરાર કર્યા છે. આ કરાર પ્રમાણે GUVNLદર મહિને આ આઠ ગેસ આધારિત વીજ પ્લાન્ટ્સને રૂ. ૧૩૨ કરોડ ચૂકવે છે. એટલે કે દર રોજ રૂ. ૪.૪ કરોડ અને પ્રતિ દિવસ એક ગેસ પ્લાન્ટને રૂ. ૫૫ લાખ જેટલી માતબર રકમ ચૂકવે છે. આશ્ચર્જનક વાત તો એ છે કે આ વીજ ખરીદ માટેના કરારની શરતો પ્રમાણે એક યુનિટની ખરીદી કર્યા વિના પણ GUVNLને નિયત કરાયેલા ફિક્સ્ડ કોસ્ટ તો ચૂકવવાની જ રહે છે. હાલ ગુજરાતને સબ્સિડાઇઝ્ડ ગેસ મળે છે અને એપ્રિલથી એ બંધ થઇ જશે. તેથી આ ગેસ આધારિત પ્લાન્ટ્સ બંધ જેવી હાલતમાં આવી જશે અને તેમ છતાંય બંધ પ્લાન્ટ માટે રોજના ૪.૪ કરોડ ચૂકવવાની ફરજ પડશે. જેથી નાગરિકો ઉપર બિનજરૂરી આર્થિક ભારણ પડી શકે છે.

આઠ ગેસ આધારિત વીજ પ્લાન્ટ્સના છેલ્લા છ મહિનાનો અભ્યાસ કરતા કેટલાક રસપ્રદ તારણો સામે આવ્યા છે. આ અભ્યાસમાં ઊર્જા ક્ષેત્રના નિષ્ણાત કે.કે.બજાજે જણાવ્યું હતું કે,એનટીપીસીના કવાસ અને ઝાનોર પ્લાન્ટ્થી વધુ પ્રમાણમાં વીજળીની ખરીદી કરવામાં આવી છે. તેથી પ્રતિ યુનિટનો રેટ રૂ. ચાર જેટલો ઓછો રહ્યો છે. જ્યારે કે જીએસઇસીએલના ઉત્રાણ ગેસ પ્લાન્ટથી માત્ર ચાર મીલીયન યુનિટ વીજળીની ખરીદી કરવામાં આવી હોવાથી પ્રતિ યુનિટનો ભાવ રૂ. ૩૯૮.૨૦ જેટલો ઊંચો રહ્યો છે.

GUVNLદ્વારા પ્રતિ દિન ૭.૧ મિલિયન યુનિટ વીજળીની ખરીદી ૮.૬૮ પ્રતિ યુનિટના ભાવે ખરીદવામાં આવી છે. જેમાં રૂ. ૬.૨૦ ફિક્સ્ડ કોસ્ટના અને રૂ. ૨.૪૮ વેરિએબલ અથવા ફ્યુઅલ કોસ્ટના છે.

છેલ્લા છ મહિનામાં GUVNLદ્વારા આઠ ગેસ આધારિત વીજ પ્લાન્ટ્સ જોડેથી કુલ ૧૨૭૫ મીલીયન યુનિટ વીજળી ખરીદવામાં આવી છે. એટલે કે દર મહિને સરેરાશ ૨૧૨ મિલિ. યુનિટ્સ. જેના ફિક્સ કોસ્ટ પેટે રૂ. ૧૩૧.૯ કરોડ અને વેરિએબલ કોસ્ટ માટે રૂ. ૫૨.૬૪ કરોડની ચૂકવણી દર મહિને કરવામાં આવી છે. જો કે આ પરિસ્થિતિ એપ્રિલ મહિનાથી વધુ કપરી બનશે કેમ કે ઊર્જા મંત્રાલય ગુજરાતને સબ્સિડાઇઝ્ડ ગેસ આપવાનું બંધ કરી દેશે. કેમ કે GUVNL અને અને અન્ય ગેસ પ્લાન્ટ દ્વારા કોઇ એગ્રિમેન્ટ્સ સાઇન કરાયા નથી. આવા સંજોગોમાં ગેસના પ્લાન્ટ બંધ થઇ શકે અને બંધ પ્લાન્ટ માટે કરોડો રૂપિયા ચૂકવવા પડી શકે તેમ બજાજે જણાવ્યું છે. તેમણે ઊર્જા મંત્રાલયને રજૂઆત કરી છે કે પાવર પર્ચેઝ એગ્રિમેન્ટને દર સાત કે આઠ વર્ષમાં રિવ્યૂ કરવો જોઇએ. આ પ્લાન્ટ્સનું વીજ ઉત્પાદન વધે તેવા પ્રયત્નો કરવા જોઇએ અને પ્રતિ યુનિટનો ભાવ રૂ. ૪.૫૦ થાય એવી કોશિશ થવી જોઇએ.

દેશમાં વીજ-ઉત્પાદનમાં ગુજરાત નંબર છે. ૨૦૧૬ના અંત સુધીમાં રાજ્યની કુલ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ૨૩૬૭૬ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે પરંતુ તેમાંથી રાજ્યની કુલ વીજમાંગ મુજબ મહત્તમ ૧૪,૮૯૨ મેગાવોટ જેટલી જ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પોરેશન (જીએસઈસી) હસ્તકના ૯ જેટલા વીજમથકોની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૬૧૩૨ મેગાવોટ જેટલી છે. રાજ્ય સરકાર હસ્તકના ૬ વીજ-ઉત્પાદન મથકોની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૨૫૧૯ મેગાવોટની છે. કેન્દ્ર સરકાર હસ્તકના વીજ મથકોની વીજ-ઉત્પાદન ક્ષમતા ૩૨૦૩ મેગાવોટ અને ખાનગી વીજ મથકોની વીજ ઉત્પાદન ક્ષમતા ૧૧,૮૨૨ જેટલી છે. જોકે, તેમાંથી ૧૪,૮૯૨ મેગાવોટ જેટલીનું જ ઉત્પાદન કરાય છે. જેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર હસ્તકના વીજમથકોમાંથી ૭૮૧ મેગાવોટ અને ખાનગી વીજ મથકોમાંથી ૫૪૬૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ડો. તેજશ્રીબેન પટેલના લેખિત પ્રશ્નના જવાબમાં ઊર્જામંત્રીએ લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ઈલેકટ્રીસીટી કોર્પોરેશનની વીજમથકોની જે કુલ ઉત્પાદન ક્ષમતા છે તે તમામમાં જીયુવીએનએલ (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ)નો સંપૂર્ણ હિસ્સો છે. રાજ્ય સરકાર હસ્તકના પણ તમામ વીજમથકોની વીજળીમાં જીયુવીએનએલનો હિસ્સો છે. કેન્દ્ર સરકારના વીજમથકોમાં ઉત્પન્ન વીજળીમાંથી જીયુવીએનએલનો હિસ્સો ૭૮૧ મેગાવોટ વીજળીનો છે. ખાનગી વીજમથકો પૈકીની ચાઈના લાઈટ પાવર લી.માંથી તમામ ૬૫૫ મેગાવોટ વીજળી મેળવાય છે. મુંદ્દા વાપર પ્રોજેક્ટ ઓફ અદાણીની ૪૬૨૦ મેગાવોટ વીજઉત્પાદન ક્ષમતામાંથી ૨૦૦૦ મેગાવોટ અને મુંદ્દા ગુજરાત પાવરના વીજ મથકોની ૩૮૦૦ મેગાવોટની વીજ-ઉત્પાદન ક્ષમતા પૈકીની ૧૮૦૫ મેગાવોટ વીજળી મેળવાય છે.

મંત્રીએ એવી પણ લેખિત માહિતી આપી હતી કે, ૨૦૧૫ના વર્ષમાં રાજ્ય સરકાર હસ્તકના વીજમથકોમાં ૧૨૯૫ મેગાવોટ અને ૨૦૧૬માં ૬૨૬ મેગાવોટ મળીને કુલ ૧૯૨૧ મેગાવોટ વીજ-ઉત્પાદન ક્ષમતામાં વધારો કરાયો છે.જ્યારે તેની સામે ખાનગી વીજમથકોમાં એકપણ મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરાયો નથી. ગાંધીનગર વીજ મથકના ૨૪૦ મેગાવોટની ક્ષમતાવાળા યુનિટ-૧ અને ૨ની કાર્યક્ષમતાનો સમયગાળો પૂરો થયો છે એટલે તેને બિનકાર્યક્ષમ કરવામાં આવ્યા છે. એવી જ રીતે જીઆઈપીસીએલના ૧૬૫ મેગાવોટના ગેસ આધારિત વીજ મથકનો વીજ-કરાર પૂરો થઈ ગયો છે એટલે ત્યાંથી એટલી વીજળી લેવાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.