- ટ્યુશનમાં જવા નીકળેલી સગીરા પરત નહિ ફરતા પરિવારજનોએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ શહેરમાં કથિત રીતે લવ જેહાદનો કિસ્સો આવ્યો સામે છે. રેલનગર વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાને વિધર્મી શખ્સ લઈને ફરાર થઇ ગયાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ટ્યુશન જવાનું કહીને ઘરેથી નીકળેલી સગીરાને પ્રેમ પ્રકરણમાં ફસાવી પડધરીનો વિધર્મી શખ્સ અપહરણ કરી ગયાંનો આક્ષેપ સગીરાની માતાએ કર્યો છે. હાલ આ મામલે પરિજનોએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રેલનગરમાં રહેતી સગીરાની માતાએ પ્ર.નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. તેઓ પિતાને ઘરે રહે છે અને ઘરે બેઠા જ ઇમીટેશનનુ કામ કરે છે. તેમના લગ્ન આજથી આશરે 17 વર્ષ પહેલા ગોંડલના શખ્સ સાથે થયાં હતા. તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે જે બંને જુડવા છે. દીકરીની ઉમર 15 વર્ષ 20 દિવસ છે. પતિ સાથે મનમેળ નહિ આવતા વર્ષ 2016માં તેમણે છૂટાછેડા લઇ લીધા હતા.
વધુમાં સગીરાની માતાએ જણાવ્યું હતું કે, ગત તા.22/02/2025ના સવારના સાડા આઠ વાગ્યાની આસપાસ મારો દીકરો અને દીકરી બંને રેલનગર મેઇન રોડ ખાતે આવેલ સ્ટડી પોઇન્ટમાં ટયુશનમા ગયેલ હતા બાદ આશરે સાડા નવ વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતી ત્યારે ટયુશન કલાસીસમાથી ફોન આવેલ કે, તમારી દીકરી કેમ ટયુશનમાં આવેલ નથી? ત્યારે મે તેમને કહેલ કે મારી દીકરીને સવારમા જ ટયુશનમા મોકલેલ હતી જેથી હું તુરંત જ ત્યા ટયુશન કલાસીસએ ગયેલ અને આસપાસ મારી દીકરીની તપાસ કરેલ તો મારી દીકરીના કોઇ સમાચાર મળેલ ન હતી. ત્યારબાદ અમારા સગા વ્હાલામા તપાસ કરેલ પણ મારી દીકરી મળેલ નહી જેથી આજ દિન સુધી મારી દીકરીને ગોતવાના પ્રયત્ન કરેલા પરતું મારી દીકરીના ભાળ નહિ મળતા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા આવેલ છું.
હાલ પ્ર.નગર પોલીસના પીએસઆઈ ડી પી ગોહેલે સગીરાની શોધખોળ શરૂ કરી છે. બીજી બાજુ સગીરાની માતાએ મીડિયા સમક્ષ એવુ જણાવ્યું હતું કે, પડધરીના સાહીલ સંધાર નામનો વિધર્મી શખ્સ તેમની પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો છે.
હું સાહીલ સાથે છું અને ખુશ છું… સગીરાએ માતાને મેસેજ મારફત જાણ કરી
સમગ્ર મામલામાં સગીરાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મારી દીકરી ટ્યુશનમાં ગયેલ હતી પરંતુ ઘરે પરત આવેલ નથી. મને ટ્યુશનમાંથી જાણ થયેલ હતી કે તમારી દીકરી ટ્યુશનમાં આવેલ નથી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે. પડધરીનો રહેવાસી સાહિલ સંધાર નામનો વિધર્મી શખ્સ મારી પુત્રીને ઉઠાવી ગયો છે. આ સાહીલ અમારા ભાઈની હોટલમાં કામ કરતો હતો. યુવક અગાઉ પણ ઘરે આવતો હતો. મારી દીકરીનો મેસેજ આવ્યો હતો કે હું તેની સાથે છું અને અહીંયા ખુશ છું. 15 વર્ષની દીકરીને શું ખબર હોય કે શું કરવું શું ન કરવું કઈ રીતે રહેવું. મારી દીકરી મારી પાસે પરત આવી જાય તેવી મારી માંગણી છે.