- રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ 40 કિમી સી-લિન્ક પ્રોજેક્ટના ફાઇનલ સરવે લોકેશનને મંજૂરી આપી: દહેજ-ભાવનગર વચ્ચે રેલવે સી-લિન્ક પ્રોજેક્ટ: સૌરાષ્ટ્રથી સુરત 3, મુંબઇ 6 કલાકમાં પહોંચાશે: સૌરાષ્ટ્ર અને દક્ષિણના લોકોને અમદાવાદ-વડોદરા જવું નહીં પડે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણના લોકોને અમદાવાદ-વડોદરા આવવું પડતું હતું. પરંતુ પ્રોજેક્ટ શરૂ થયા બાદ તેની જરૂરિયાત નહી રહે. દહેજ-ભાવનગર વચ્ચે રેલવે સી-લિન્ક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રથી સુરત માત્ર 3 કલાક અને મુંબઈ 6 કલાકમાં પહોંચી જવાશે. રેલવે બોર્ડે ગુજરાતમાં પ્રથમ 40 કિ.મી સી-લિન્ક પ્રોજેક્ટના ફાઇનલ સરવે લોકેશનને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ડીપીઆર(ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવાની પણ મંજૂરી આપી દીધી છે. ભરૂચના દહેજ અને ભાવનગર વચ્ચેના દરિયાઈ માર્ગ પર આકાર લેનાર સી-લિન્ક રેલવે પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈને સીધું જોડશે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ રેલવે સી-લિન્ક પ્રોજેક્ટ છે. હાલમાં ભાવનગરથી સુરતનું 530 કિ.મીની અંતર કાપવા 9 કલાક થાય છે જે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ 160 કિ.મી થશે માત્ર 3 કલાકમાં કપાશે. સૌરાષ્ટ્રથી મુંબઈ જવા માટે 13 કલાકનો સમય લાગે છે, જે હવે 8 કલાક થઈ જશે. બીજી તરફ દહેજથી લઈ પોરબંદર-દ્વારકા ઓખા સુધી 924 કિમી લાંબી કોસ્ટલ રેલવે લાઇનની પણ તૈયારી ચાલી રહી છે. નવી રેલવે લાઈનથી સૌરાષ્ટ્રના મુસાફરોને સૌથી મોટો ફાયદો થવાનો છે. તેઓ અત્યાર સુધી અમદાવાદ, વડોદરા અને આણંદ થઈને 500 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડતું હતું. પરંતુ આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવ્યા બાદ વધારાનું અંતર કાપવું પડશે નહીં. ભાવનગરથી સી-લિન્ક રેલવે માર્ગેથી દહેજ થઈને સીધા ભરૂચ પહોંચશે અને ત્યાંથી માત્ર 6 કલાકમાં સુરત-મુંબઈની મુસાફરી પૂરી કરી શકશે.
શું છે કોસ્ટલ રેલ લાઇન?
ગુજરાતમાં પ્રથમ 40 કિમી સી-લિન્ક પ્રોજેક્ટમાં કોસ્ટલ રેલ લાઈનની વાત કરીએ તો દહેજ-જંબુસર-કથણા-ખંભાત, ધોલેરા-ભાવનગર, ભાવનગર-મહુવા-પીપાવાવ, પીપાવાવ-છારા-સોમનાથ-સરડીયા, પોરબંદર-દ્વારકા-ઓખાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 924 કિમી લાંબી કોસ્ટલ રેલ લાઇન પણ તૈયાર કરવામાં આવશે. રેલવે મંત્રાલયે 924 કિલોમીટરની કોસ્ટલ રેલ લાઈનના નિર્માણ માટે ઝોનલ રેલવેને 23 કરોડ રૂપિયાની રકમ આપી છે જેથી તેનો ફાઈનલ લોકેશન સરવે કરી શકાશે.
હવે ટ્રેનમાં મેનુ ડિસ્પ્લે કરવું ફરજિયાત
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે ટ્રેનોમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત છે.ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું હતું કે, મુસાફરોની માહિતી માટે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનની વેબસાઇટ પર તમામ ખાદ્ય ચીજોની યાદી અને કિંમતો આપવામાં આવી છે.બધી વિગતો સાથે પ્રિન્ટેડ મેનુ વેઇટર્સને પૂરા પાડવામાં આવે છે અને મુસાફરોના માંગવા પર આપવામાં આવે છે.