સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ 20મી જાન્યુઆરીએ થઈ શકે છે મોટું એલાન

 

6 મનપા અને 81 નગરપાલિકાની એક સાથે ચૂંટણી 15 થી 21 ફેબ્રુઆરી સુધીમાં યોજાય તેવી શકયતા

ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી શકયતા

ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓને લઇ રાજકીય પક્ષો મેદાને ઉતર્યા છે. ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. આ તૈયારીઓ વચ્ચે ચૂંટણીપંચનાં એલાન તરફ સૌની મીટ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ આગામી 20મી જાન્યુઆરીની આસપાસ ચૂંટણી નું એલાન થઈ શકે છે.

6 મહાનગર પાલિકાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુઆરી સુધીમાં યોજાય અને 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પુરી શકયતા સેવાઈ રહી છે. આ 6 મહનગર પાલિકાની અને 81 નગર પાલિકાની એકસાથે જ ચૂંટણી યોજાય તેવી ધારણા છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી બાદ બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે તેમ શકયતા છે. ચૂંટણી બાદ તમામની મતગણતરી 2જી માર્ચે યોજાય તેવી શકયતા પણ સેવાઇ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નવી મતદાર યાદી તૌયાર થશે. જે
જાન્યુઆરીનાં અંતમાં પ્રસિદ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે હાલ નાણાકીય વર્ષ 2020-21 પણ પૂરું થવાના આરે છે ત્યારે સ્થાનિક તંત્ર બજેટની તૈયારીઓમાં પણ જુટાયું છે. તો બીજી તરફ ચૂંટણી પણ યોજાવાની છે. આ વચ્ચે સ્થાનિક ચૂંટણીને કારણે બજેટસત્ર પાછું ઠેલાય તેવી શકયતા છે. ફેબ્રુઆરી ના બદલે માર્ચનાં પ્રથમ સપ્તાહમાં બજેટસત્ર યોજાય તેવી ધારણા છે.