સૌરાષ્ટ્ર-કચ્છની ધરા માથે ઝાકળનું ઓઢણું

 

રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા વિઝિબિલિટી માત્ર 200 મીટર: હાઇવે પર વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની પડી ફરજ: હજી બે દિવસ ઝાકળ વર્ષાની આગાહી

 

અબતક-રાજકોટ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે જોરદાર ઝાંકળ વર્ષા થવા પામી હતી. રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકાએ પહોંચી જતા વિઝિબિલિટી માત્ર 200 મીટરની રહેવા પામી હતી. ગાઢ ધુમ્મસના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડીહતી. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરતળે હજી બે દિવસ ઝાકળ વર્ષા થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ધુમ્મસથી ઠંડીનું જોર ઘટ્યું છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ડબલ ડિજિટમાં પહોંચી જવા પામ્યો છે. દરમિયાન આગામી 5 કે 6 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ આવશે.

આજે વહેલી સવારે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીએ જાણે ઝાંકળનું ઓઢણું ઓઢી લીધુ હોય તેવું આહલાદ્ક વાતાવરણ જોવા મળ્યુ હતુ. જાણે કોઇ હિલ સ્ટેશનમાં હોય તેવો અનુભવ લોકોને થતો હતો. આજે રાજકોટનું લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા અને પવનની સરેરાશ ઝડપ 5 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. જોરદાર ઝાકળ વર્ષાના કારણે વિઝિબિલીટી માત્ર 200 મીટર રહેવા પામી હતી. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, અમરેલીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી, નલીયાનું લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી, જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યુ હતું.

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે પવનની દિશા ફરી છે. દરિયાઇ પવનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ઝાકળ વર્ષા થઇ રહી છે. આગામી બે દિવસ હજી ઝાકળ વર્ષા થશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આગામી 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં બરફ વર્ષા થયાની પ્રબળ સંભાવના રહેલી છે. જેની અસરતળે આગામી 5 અથવા 6 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. 15મી ફેબ્રુઆરી સુધી ઠંડીનો રાઉન્ડ આવશે ત્યારબાદ એક મહિનો અર્થાત 15 માર્ચ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થશે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો જોવા મળશે અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે.

આજે જોરદાર ઝાકળ વર્ષાના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દિવસે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઝાંકળ વર્ષાના કારણે અમુક શિયાળુ પાકને ફાયદો થયો છે જ્યારે અમુક પાકોને નુકશાની થવા પામી છે.