- જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામો હવે 20મી ફેબ્રુઆરી આસપાસ જાહેર કરવામાં આવે તેવી સંભાવના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા હવે ભાજપ દ્વારા સંગઠન રચનાની પ્રક્રિયા પર એકાદ મહિનો બ્રેક લગાવી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. વર્તમાન જિલ્લા અને મહાનગરોના અધ્યક્ષની યાદીમાં જ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડવામાં આવશે. આગામી 20મી ફેબ્રુઆરી બાદ હવે સંગઠન રચનાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.
વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભાજપ દ્વારા દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવાયા બાદ સક્રિય સભ્યનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ બૂથ સમિતિની રચના કરવામાં આવી હતી. તાલુકા અને વોર્ડ પ્રમુખ (મંડલ પ્રમુખ)ની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી. દરમિયાન જિલ્લા અને મહનગરોના પ્રમુખની નિયુક્તી માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી હતી. જો કે, રાજ્યભરમાં દાવેદારોને લઇ વિરોધ વંટોળ અને જૂથવાદના કારણે જિલ્લા અને મહાનગરના પ્રમુખોના નામ જાહેર કરવાનું સતત પાછળ ઠેલાય રહ્યું છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ગઇકાલે જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા હવે ઉમેદવારોની પસંદગી ચૂંટણી પ્રચારની વ્યૂહરચના ઘડવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાના કારણે સંગઠન રચનાની પ્રક્રિયા માટે પુરતો સમય મળશે નહિં. આટલું જ નહીં. જો હવે જિલ્લા કે મહાનગરના પ્રમુખોના નામ જાહેર કરવામાં આવે તો તેઓને ચૂંટણીની કામગીરી માટે પુરતો સમય પણ ન મળે. નવા ચહેરા કે રિપીટ થયેલા નેતા સામે વિરોધ વંટોળ ફાટી નિકળે તો તેની સિધ્ધી અસર ચૂંટણીના પરિણામ પર પડી શકે છે. આવામાં ભાજપ દ્વારા હાલ સંગઠન રચનાની પ્રક્રિયા પર સજ્જડ બ્રેક લગાવી દેવામાં આવશે. વર્તમાન અધ્યક્ષોની આગેવાનીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે અથવા આડકતરી રિતે જાણ કરી દેવામાં આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તી પણ પાછી ઠેલી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની નિમણુંક પણ ફેબ્રુઆરી માસના બીજા પખવાડીયામાં કરવામાં આવશે. આવામાં હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાના કારણે રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરના પ્રમુખના નામ પણ 20મી ફેબ્રુઆરી આસપાસ જ જાહેર કરવામાં આવે તેવું હાલ દેખાય રહ્યું છે. બીજી તરફ એવી પણ સંભાવના હાલ દેખાય રહી છે કે, જે મહાનગરો કે જિલ્લામાં ચૂંટણી યોજાવાની નથી ત્યાં પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવશે. જો કે, આ શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે હાલ પ્રદેશ ભાજપના હોદ્ેદારો પાસે સમયનો અભાવ છે. આગામી સોમવારથી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થવાની હોય ઉમેદવાર પસંદગી સહિતની કામગીરીની મોટી યાદી તૈયાર છે. જિલ્લા અને મહાનગરના પ્રમુખના નામ પર વિચારણા કરવાનો પણ સમય નથી.