Abtak Media Google News

સારૂં ચોમાસું, સારી ખેતી અને સારી ઊપજથી શિયાળું પાક પણ ખેડૂત માટે વરદાનરૂપ સાબિત થશે: વાવેતર વધશે સાથોસાથ ઊપજ પણ સારી થશે તેવા એંધાણ

ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસાની સીઝન શરૂ થયાને હજુ બે મહિનાને સાત દિવસ પસાર થયા છે. ત્યાં તો રાજ્યનો સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે. સામાન્ય રીતે ગુજરાતમાં સરેરાશ 850 મીમી એટલે કે 34 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે. તેની સામે અત્યાર સુધીમાં 830 મીમી એટલે કે 33 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. દે ધનાધન વરસાદથી ચાલુ વર્ષે રામમોલની સાથે ઘઉં, રાય, ડુંગળી અને લસણનો બમ્પર પાક ઉતરશે.

ગુજરાતમાં કુદરતની કૃપાથી સતત બીજા વર્ષે દરેક ખેડૂતોના કુવા-બોર, કેનાલ કે સિંચાઇના અન્ય સ્ત્રોતોમાં પાણીની ઉપલબ્ધથી 100 ટકા પર પહોંચી ગઇ છે. ચોમાસું પાછો દિવાળી સુધીમાં લણણી-કાપણી માટે તૈયાર થઇ ગયા છે. ત્યારે આ વખતે ખેડૂતોને શિયાળું પાક માટેનું આગોતરૂં આયોજન કરવા માટે પણ ખૂબ જ ફાયદો થશે. ત્યારે આ વખતે ખાસ તો કૃષિ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર સારો વરસાદ થવાથી 90 ટકાથી વધુ વિસ્તારોમાં દિવાળી સુધીમાં શિયાળું પાકનું વાવેતર થઇ જશે. તેમાં પણ ખાસ કરીને ખેડૂતો જો ઘઉંનું વાવેતર કરે તો વધુ ફાયદો થાય તેમ છે. આ સિવાય ધાણા, રાય, ડુંગળી, લસણ અને જીરૂંનું વાવેતર પણ ગત વર્ષ કરતા વધી શકે તેમ છે.

કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક જી.આર.ગોહિલના જણાવ્યા મુજબ જે ખેડૂતોએ મેં મહિનાના અંતમાં વાવેતર કર્યું હશે, અને હજુ જો એક મહિનામાં વધુ વરસાદ પડે તો તેઓને પાકની નુકશાની થઇ શકે તેમ છે. પરંતુ જે ખેડૂતોએ 15 જૂન આસપાસ ખરીફ પાકોનું વાવેતર કર્યું હશે તેના માટે વરદાનરૂપ સાબિત થશે. કેમ કે હજુ જો વરસાદ વરસશે તો પણ પાકમાં કોઇપણ જાતની નુકશાની નહિ થાય. વરસાદ સારો થયો છે એટલે દિવાળી સુધીમાં કાપણી પણ થઇ જશે. ખેડૂતોને શિયાળું પાક એટલે કે ઘઉં, રાય, જીરૂં, ડુંગળી અને લસણના પાકમાં સૌથી વધુ ફાયદો થશે. સમયસર એટલે કે 15 થી 25 નવેમ્બર દરમિયાન વાવણી કરી શકાય એટલે આ વર્ષે પણ રામમોલની સાથે શિયાળું પાકનો પણ બમ્પર ઘાણવો ઉતરશે.

પાક નિષ્ફળ ન જાય તે માટે બિયારણની આગોતરી ચકાસણી જરૂરી: જી.આર.ગોહિલ

જુનાગઢ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક જી.આર.ગોહિલના જણાવ્યાનુસાર ઓણ સાલ વરસાદ ખૂબ જ સારો થવાથી ખેડૂતોને હવે શિયાળું પાક માટે ખૂબ જ ફાયદો થશે. જો કે, બિયારણ કેવું લેવું તે ખેડૂતો માટે સૌથી મોટો મુંજવણો પ્રશ્ર્ન હોય છે ત્યારે ખેડૂતોએ અત્યારથી જ બિયારણની ખરીદી કરી લેવી જોઇએ અને ઘરે એક વખત બિયારણ કુંડામાં વાવી ચકાસણી કરવી જોઇએ. જેથી દિવાળીના સમયગાળા દરમ્યાન વાવણી વખતે ખેડૂતોને આગોતરી જ ખબર પડી શકે કે કેવું બિયારણ ઉપયોગમાં લેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.