રાણી ટાવર પાસે કેબલ ઓપરેટરે ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

આર્થિક ભીંસથી કંટાળી યુવાને જીવન ટૂંકાવતા પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત

શહેરમાં કાલાવાડ રોડ પર રાણી ટાવર પાસે આર.કે.નગર મેઇન રોડ પર આવેલા ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા કેબલ ઓપરેટરે આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાતથી માસુમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવેલા આર.કે નગર મેઇન રોડ પર ગુરુજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા મહેશભાઈ અરજણભાઈ જાગા નામનો 35 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે પંખામાં લૂંગી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને જોઈ તપાસી તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કરીવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક મહેશભાઈ જાગાને સંતાનમાં એક પુત્ર છે અને મૃતક મહેશ જાગા કેબલ ઓપરેટરનું કામ કરતો હતો અને આર્થિક ભીંસથી કંટાળી મહેશ જાગાએ ફાંસો ખાઈ આત્મઘાતી પગલું કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી કરી વધુ તપાસ હાથ ધરી છે.