ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય બોલિંગને વધુ મજબૂત બનાવવાની તક

આજે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મુકાબલો, સાંજે સાત વાગ્યાથી મેચનો પ્રારંભ

ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ બુધવારથી સરૂ થઈ રહેલી ત્રણ ટી20 મેચની સીરિઝમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે. આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓની અંતિમ તક છે. રોહિત શર્મા)ની ટીમ માટે ડેથ ઓવર્સ બોલિંગ સૌથી મોટી ચિંતાનો વિષય છે. ડેથ બોલિંગમાં સુધારો કરવા માટે ભારતીય ટીમ પાસે આ અંતિમ તક છે. તેથી કોચ રાહુલ દ્રવિડ પણ આ નબળા પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચ રાત્રે 7.00 વાગ્યાથી શરૂ થશે.

સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ તેના બે મુખ્ય બોલર્સ હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર વગર રમવા ઉતરશે. આ બંને ખેલાડીઓને આગામી મહિને રમાનારા ટી20 વર્લ્ડ કપ અગાઉ આરામ આપવામાં આવ્યો છે. વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓમાં સામેલ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી હજી સુધી કોરોનામાંથી સાજો થયો નથી. જેના કારણે ઓસ્ટ્રેલિયા બાદ હવે સાઉથ આફ્રિકા સામે પણ તે રમવાનો નથી. ઝડપી બોલર હર્ષલ પટેલે ઈજામુક્ત થયા બાદ ઓસ્ટ્રેલિયા સામે કમબેક કર્યું હતું પરંતુ તેનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું.

તેથી વર્લ્ડ કપ પહેલાની અંતિમ ત્રણ મેચમાં તે પોતાનું ફોર્મ પરત મેળવી લે તેવી આશા રાખવામાં આવી રહી છે.હર્ષલ પટેલની કારકિર્દીની ઈકોનોમી રેટ 9.05 રહી છે પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેણે 12 રન પ્રતિ ઓવરથી વધુ રન આપ્યા હતા. ટી20 વર્લ્ડ કપ માટેના વધુ એક સ્ટેન્ડબાય ખેલાડી દીપક ચહરને ઓસ્ટ્રેલિયા સામે રમવાની તક મળી ન હતી. તેથી જો ભારતીય ટીમ ત્રણ મેચમાં પોતાના ઝડપી બોલર્સને રોટેટ કરવાનું નક્કી કરે તો તેને તક મળી શકે છે. યુવાન ઝડપી બોલર અર્શદીપ સિંહ સાઉથ આફ્રિકા સામે રમવાનો છે જે ટીમ માટે મોટી રાહતની વાત છે.

ડેથ ઓવર્સમાં તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. જ્યારે જસપ્રિત બુમરાહ એકદમ ફિટ થઈ ગયો છે અને ફૂલ ફોર્મમાં જોવા મળ્યો છે. સ્પિન બોલિંગની જવાબદારી રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ પર રહેશે. બેટિંગની વાત કરીએ તો ઓપનર લોકેશ રાહુલ પાસે ફોર્મ મેળવવાની આ ઉત્તમ તક છે. રોહિત શર્મા પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પરંતુ સૌથી મોટી રાહતની વાત એ છે કે વિરાટ કોહલી ફોર્મમાં છે. તેથી રાહુલ પણ ઓસ્ટ્રેલિયા જતાં પહેલા લય મેળવી લે તે રોહિત શર્માની ટીમ માટે સૌથી મહત્વની વાત છે.