રાજકોટ કનૈયા ચોક પાસે નાસ્તો લેવા નિકળેલા બાળકને બોલેરોએ અડફેટે લેતા કાળ આંબી ગયો

શહેરમાં હુડકો ચોકડી પાસે આવેલા કનૈયા ચોક પાસે આજરોજ સવારે એક બોલેરોના ચાલકે માસુમ બાળકને અડફેટે લેતાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. નાસ્તો લેવા નિકળેલા બાળકને કાળ આંબી જતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હુડકો ચોકડી પાસે આવેલા કનૈયા ચોક પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મજૂરીકામ કરતા દેવરાજભાઈ સંચાણીયાના 5 વર્ષના પુત્ર ગૌતમને આજ સવારે બોલેરો ચાલકે ઠોકરે લેતાં તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ માસુમ બાળક ગૌતમ ઘર પાસે નાસ્તો લેવા માટે ગયો હતો.

ત્યાંથી પરત ફરતી વેળાએ બોલેરો વાહનના ચાલકે માસુમ બાળકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી બોલેરો ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથધરી છે.