Abtak Media Google News

રાજકોટમાં ચાલતા અલગ-અલગ વિકાસકામોની મેયર ડો.પ્રદિપ ડવ પાસેથી વિગતવાર માહિતી મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે રાજકોટ ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતાં. જે અંતર્ગત તેઓએ રાજકોટ છોડતા પહેલા એરપોર્ટ મેયર ડો.પ્રદિપ ડવ અને રાજ્ય સરકારના વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી સાથે બંધબારણે એક બેઠક યોજી હતી. જેમાં રાજકોટમાં ચાલતા વિવિધ વિકાસકામોની વિગતવાર માહિતી મેળવી હતી અને દરેક પ્રોજેક્ટમાં સરકાર દ્વારા પૂરો સહયોગ આપવામાં આવશે તેવી મેયરને ખાતરી પણ આપી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગઇકાલે ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટ ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. એરપોર્ટમાં મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી જ્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા ત્યારે તેઓએ એરપોર્ટ વેઇટીંગ લોન્જમાં મેયર ડો.પ્રદિપ ડવ અને વાહન વ્યવહર રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી સાથે એક બંધબારણે બેઠક યોજી હતી.

અંદાજે 10 મિનિટ સુધી ચાલેલા આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજકોટમાં ચાલી રહેલા અલગ-અલગ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. મેયરે અલગ-અલગ 6 સ્થળોએ ચાલતા ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજની માહિતી આપી હતી. ક્યાં બ્રિજનું ક્યાં તબક્કે પહોંચ્યુ છે તેનું વિગતવાર માહિતી સીએમને આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપલાકાંઠે નિર્મણાધિન લાયબ્રેરી અને આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટમાં સાકાર થયેલા રામવન પ્રોજેક્ટ અંગે પણ મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજકોટમાં કોર્પોરેશન દ્વારા ચાલી રહેલા વિકાસ કાર્યની પ્રગતિથી મુખ્યમંત્રી સંતુષ્ટ થયા હતાં. તેઓએ મેયરને રાજ્ય સરકાર દ્વારા રાજકોટના વિકાસ માટે જે સહયોગ આપવામાં આવતો હતો તે સદાકાળ રહેતો મળશે તેવી પણ બાંહેધરી આપી હતી.

દરમિયાન આવતા મહિને અમુક પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત માટે પણ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રીને આમંત્રિત કરવામાં આવનાર છે. બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કોઇપણ વિકાસ કામના ભૂમિપૂજન કે લોકાર્પણ માટે રાજકોટ આવવાની તૈયારી દર્શાવી હતી. લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું લોકાર્પણ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી હસ્તે કરાવવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.