રાજકોટમાં મેઘાવી માહોલ વચ્ચે રંગે ચંગે યોજાઇ ચેસ સ્પર્ધા

ગેસ્ફોર્ડ ચેસ કબલ અને દશા સોરઠીયા વણિક સમાજ દ્વારા યોજાયેલી ચેસ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરના 300એ બાજી ગોઠવી

સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં ચેસ ક્ષેત્રે જેની આગવી ઓળખ છે. તે ગેસ્ફોર્ડ ચેસ કલબ રાજકોટ તથા શ્રી દશા સોરઠીયા વણિક (મહાજન) સમાજ દ્વારા રાજકોટ ખાતે તા. 25 – 26 બે દિવસીય ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓપન  મેઇન- ફીમેલ, અંડર-11, 16 માટે ચેસ ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ બે દિવસીય ટુર્નામેન્ટમાં 300 થી વધુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

ગેસ્ફોર્ડ ચેસ કલબ  રાજકોટ દ્વારા ઘણા વર્ષોથી ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ અંડર-11, અંડર-16 તથા તેની સાથે લેડીઝ ટુર્નામેન્ટ એમ એક સાથે ચાર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા ખેલાડીને શિલ્ડ તેમજ સર્ટીફીકેટથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વિશાલભાઇ સોલંકી, હર્ષદભાઇ ડોડીયા, હર્ષિલભાઇ શાહ, મહેશભાઇ વ્યાસ, મહેશભાઇ ચૌહાણ, ભાવેશભાઇ પટેલ, રાજેશભાઇ ધ્રુવ સહીતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અબતક સાથેની વાતચીત દરમિયાન ગેસ્ફોર્ડ ચેસ કલબ રાજકોટના પ્રમુખ વિશાલભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ગેસ્ફોર્ડ ચેસ કલબ દ્વારા ઘણા વર્ષોથી ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તા. 25-26 ના રોજ અમારી સંસ્થા તથા દશા સોરઠીયા વણિક (મહાજન) સમાજના સંયુકત ઉપક્રમે ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ રેપીડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો છે. વીજેતા ખેલાડીને શિલ્ડ આપી સન્માનીત કરાયા છે. ચેસ ગેઇમએ માઇન્ડ ગેઇમ કહેવાય છે. અને આગામી સમયમાં પણ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.